આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે મુક્ત, ન્યાયી, તટસ્થ-પારદર્શી રીતે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓને અપાયેલો આખરી ઓપ

આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે મુક્ત, ન્યાયી, તટસ્થ-પારદર્શી રીતે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓને અપાયેલો આખરી ઓપ

તા. ૨૩ મી એપ્રિલે યોજાનારા મતદાન માટેની તમામ પૂર્વ
તૈયારીઓ સાથે સજ્જ બનતું નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર
જિલ્લા કલેક્ટરઅને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદ

રાજપીપળા:
આગામી તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારી લોસકભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તાર તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં થનારી ચૂંટણીઓ મુક્ત, ન્યાયી, તટસ્થ, પારદર્શી રીતે ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અને આ દિવસે યોજાનારી મતદાનની પ્રક્રિયા સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર અને વહિવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની આગોતરી પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપીને આ દિશાની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઆઇ.કે. પટેલે જણાવ્યું હતું. નર્મદા જિલ્લાનાં રાજપીપલા મુખ્ય મથકે કલેક્ટરાલયનાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલનાં ચીફ કો-ઓર્ડિનેટરશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ.આઇ. હળપતિ, નાયબ માહિતી નિયામક અને MEDIA – MCMC નાં નોડલ અધિકારીશ્રી યાકુબ ગાદીવાલા સહિત જિલ્લાના વિવિધ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાનાં માધ્યમકર્મીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણીતંત્રની પૂર્વ તૈયારીઓ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા માધ્યમો સાથેનાં સંવાદમાં જણાવ્યું હતું કે, જિલ્લાના બંને મદદનીશ ચૂંટણી અધિકારીઓને EVM મશીન સહિતની અન્ય તમામ પ્રકારની મતદાન સામગ્રી સુપ્રત કરી દેવામાં આવી છે. જિલ્લાનાં ૨૮૧૭ પોસ્ટલ બેલેટ માટેનાં અધિકારીઓ / કર્મચારીઓ પૈકી ૧૪૧૧ અધિકારીઓ / કર્મચારીઓએ બેલેટથી ૮૬ ટકા મતદાન કર્યું છે. બાકી રહેલાંઓ માટે પણ તા.૨૨ મી એપ્રિલે બંને ડિસ્પેચીંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા પૂરી પડાશે. ડિસ્પેચીંગ કામગીરીમાં જિલ્લા ૮૫ જેટલા ઝોનલ અધિકારીઓ ૧૩૨ નક્કી કરાયેલાં વાહનનાં રૂટ મારફત જે તે ગામોમાં મતદાન ટૂકડીઓને રવાના કરાશે. આ ઝોનલ અધિકારીઓ વાયરલેસ સેટ અને GPS સુવિધાવાળા વાહન સાથે ફરજ પર રહેશે. જિલ્લા બહારનાં સંસદીય મતવિસ્તારનાં ૧૬૦૦ જેટલા અધિકારીઓ / કર્મચારીઓ માટે પોસ્ટ મારફત બેલેટ પેપરની ઉપલબ્ધિ માટે જે તે વિસ્તારનાં ચૂંટણી અધિકારીઓને માંગણીઓ પણ અત્રેથી પહોંચાડી દેવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લાનાં ૮૦ થી વધુ વયનાં ૬૩૭૫ જેટલાં મતદારોને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દર ચૂંટણીની જેમ આ ચૂંટણીના મતદાનમાં પણ ભાગ લે તેવી ચૂંટણીપંચની અપેક્ષા અને લાગણી સાથે મતદાન માટે અપીલ કરતાં પત્રો એનાયત કરીને જિલ્લાનાં વડીલ-બુઝુંર્ગ મતદારોને પ્રોત્સાહિત કરાયાં છે. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને ભૂતકાળની ચૂંટણીની જેમ નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં મતદાનમાં મોખરે રહે તેવા જિલ્લા ચૂંટણીતંત્રનાં પ્રયાસો રહ્યાં છે. જિલ્લામાં શેડો એરીયાનાં ૧૦૩ જેટલાં મતદાન મથકોની સંખ્યા રીલાયન્સ અને જીઓ કંપની તરફથી નવા ટાવર ઉભા કરવાને લીધે તેમાં નોંધપાત્ર ઘટાડો થઇને આ સંખ્યા હવે ૫૨ (બાવન) જેટલાં મતદાન મથકો સુધી નીચી રહી છે. આમ છતાં, સાવચેતીનાં પગલાંરૂપે આ ચૂંટણીઓમાં જિલ્લામાં ૧૦૩ શેડો એરીયાના તમામ મતદાન મથકો સાથે સંદેશાવ્યવહારની આપલે માટે પોલીસ અને વન વિભાગનાં વાયરલેસ સેટ અને વોકીટોકી સેટથી સજ્જ અધિકારીઓ / કર્મચારીઓને ફરજ ઉપર તૈનાત રખાશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતિ જળવાઇ રહે તે માટે પોલીસ ડિપ્લોયમેન્ટ સ્કીમ મુજબ પોલીસ વિભાગ દ્વારા જરૂરી લાગશે ત્યાં CRPF, SRP, સ્થાનિક પોલીસ, હોમગાર્ડઝ, ગૃહરક્ષક દળનાં જવાનોની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં અટકાયતી પગલાંના ભાગરૂપે પ્રિવેન્ટીવ એક્શન માટેનાં ખુબ સારા પ્રયાસો થયાં છે. પરિણામે પરવાનેદાર હથિયાર ધારકોનાં હથિયારો ૧૦૦ ટકા જમા થયાં છે. ૧૧ વ્યક્તિઓ સામે પાસા ધારા હેઠળ, ૨૭૦૦ જેટલા ચેપ્ટર કેસ સહિતની જુદી જુદી પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ પટેલે ઉમેર્યું હતું. જિલ્લામાં ગત વિધાનસભાની સરખામણીએ તા.૪ થી એપ્રિલ, ૨૦૧૯ અંતિત ૧૩,૮૬૭ જેટલા નવા મતદારોનો વધારો નોંધાયો છે, જે રાજ્યનાં સરેરાશ વધારાની સરખામણીએ ખૂબ જ સારી અને નોંધપાત્ર સરેરાશમાં વધારો નોંધાયો છે. તેવી જ રીતે ૬૭૧ જેટલા વધુ દિવ્યાંગ મતદારોની ઓળખ કરાઇ છે અને જિલ્લામાં કુલ-૨૧૯૩ દિવ્યાંગ મતદારોનું મતદાન વધુ સુવિધાપૂર્ણ બની રહે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા માંગણીવાળા આવા મતદારોને વ્હીલચેર, સહાયક અને ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પડાશે. જિલ્લામાં ૮૫ જેટલા પ્રજ્ઞાચક્ષુ મતદારોને બ્રેઇલ લીપી સાથેનાં મતદાર ફોટો ઓળખકાર્ડ, મતદાર સ્લીપ અને મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કરાયું છે. સાથોસાથ જિલ્લામાં તમામ મતદારોને વોટર્સ સ્લીપ અને માર્ગદર્શિકા સંપૂટનું પણ વિતરણ કરાયું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આજદિન સુધીની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતાના અમલ સંદર્ભે કોઇ ગંભીર ફરિયાદ મળેલ નથી. cVIGIL થી પણ સામાન્ય પ્રકારની જિલ્લા ચૂંટણીતંત્રને પ્રાપ્ત થયેલી ફરિયાદોનો નિકાલ કરી દેવાયો છે. જિલ્લાના બંને રિસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટર ખાતે મેડીકલ ટીમો પણ સેવારત કરાઇ છે. આમ, સમગ્ર જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલે યોજાનારા મતદાન સંદર્ભે આગોતરી તમામ પ્રકારની તૈયારીઓ મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું પટેલે ઉમેર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન નિર્ભિકપણે યોજાય તે માટે જિલ્લાના ક્રિટીકલ મતદાન મથકોના વિસ્તાર સહિત મહત્વપૂર્ણ તમામ વિસ્તારોમાં પેરામીલીટરી ફોર્સની ફ્લેગ માર્ચ સહિત જરૂરિયાત મુજબ વ્યુહાત્મક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા પ્રબંધ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા લેવાયેલા અટકાયતી પગલાંઓની વિસ્તૃત જાણકારી સાથે મહારાષ્ટ્રની બોર્ડર સહિતની જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ દ્વારા થયેલી કામગીરીની આંકડાકીય રૂપરેખા સાથે જિલ્લામાં દારૂબંધીનાં કેસોમાં રૂપિયા ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આમ, ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે અટકાયતી પગલાંની દિશામાં ૬૦ ટકા જેટલી વૃધ્ધિ થઇ છે. જિલ્લામાં અંદાજે ૧૦૦૦ થી વધુ પોલીસ જવાનો, ૯૦૦ જેટલા HRD, SRP, CRPF કંપનીનાં જવાનોનો પર્યાપ્ત માત્રામાં સુરક્ષા પ્રબંધ ગોઠવવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

રિપોર્ટ :જ્યોતી જગતાપ , રાજપીપળા

Translate »
%d bloggers like this: