મહિલાઓ અને આરોગ્યની સુવિધાઓમાં વધારો કરનારું પ્રજાલક્ષી બજેટ

મહિલાઓ અને આરોગ્યની સુવિધાઓમાં વધારો કરનારું પ્રજાલક્ષી બજેટ

વિભાવરીબેન દવે‘વ્હાલી દીકરી’ યોજનાથી સ્ત્રી ભૃણહત્યા અને બાળલગ્નો અટકશે તથા
મહિલાશિક્ષણને પ્રાધાન્ય મળશે: મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી

ભાવનગર, તા.3
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટને સર્વલક્ષી અને સર્વહિતકારી ગણાવતાં રાજ્યનાં મહિલા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવેએ આવકાર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશમાં વિશિષ્ટ છાપ ધરાવતા આપણા રાજ્યમાં જળ વ્યવસ્થાપન, ગ્રીન એન્ડ ક્લિન એનર્જી, પર્યાવરણ, કૃષિ તથા મહિલા કલ્યાણ અને રોજગારનાં પાંચ ક્ષેત્રોને આ બજેટમાં આવરી લેવાયાં છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ સૌપ્રથમ વખત રૂા.2 લાખ કરોડથી વધુના આ બજેટને મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ દ્વારા સર્વવ્યાપી, સર્વહિતેચ્છુ બજેટ ગણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રજાલક્ષી નીતિઓને આવકારી હતી.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ‘દીકરીઓનાં માવતર’ બની દીકરી જન્મને વધાવવા, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને દીકરીઓ પુખ્ત વયની થાય ત્યાં સુધી તેમની ચિંતા કરવાના સંવેદનશીલ અભિગમ સાથે દીકરીઓને ખાસ અનુલક્ષીને ‘વ્હાલી દીકરી’ યોજના અમલમાં મૂકી, તેના માટે રૂ.133 કરોડની જોગવાઈ કરી છે. આ યોજનાની માહિતી મંત્રીશ્રીએ આ તકે આપી હતી. જે અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂ.4000, ધોરણ- 9(નવ)માં રૂ.6000 તથા 18 વર્ષની વય પૂરી થયે રૂ.1 લાખ આપવામાં આવશે. જેથી ઉચ્ચ શિક્ષણ અને લગ્નપ્રસંગ માટે દીકરીને આર્થિક સહાય મળી રહેશે તેમજ સ્ત્રી ભૃણહત્યા અટકશે, મહિલાશિક્ષણને પ્રાધાન્ય મળશે, ડ્રોપ આઉટ રેશિયો ઘટશે અને બાળ લગ્ન પણ અટકશે. આમ, એક યોજનામાં અનેક લાભો છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવેની રજૂઆતોને ધ્યાને લઈ, ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે નવો મેટરનિટી ચાઇલ્ડ બ્લોક (મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ) બનાવવા ભાવનગરનાં બાળકો અને માતાઓના આરોગ્યની સેવાઓ માટેની સુવિધાઓ વિકસાવવાની માગણી ધ્યાને લેવાતા, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા વર્ષ 2019-20ના બજેટમાં સંતોષાઈ છે. જેના થકી હવે સર ટી. હોસ્પિટલમાં નવો ‘મેટરનિટી ચાઇલ્ડ’ બ્લોક બનાવવા માટે રૂ.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તદુપરાંત, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY) અંતર્ગત ભાવનગર અને સુરત ખાતે નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામ અને ઉપકરણો માટે રૂ.160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, રાજ્ય સરકારે ભાવનગરના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના જનકલ્યાણના કાર્યને બજેટમાં પ્રાથમિકતા આપી છે.
આ સિવાય વલ્લભીપુર–ભાવનગર વચ્ચેના રસ્તાનું ચાર માર્ગીકરણ કરવા માટે રૂ.207 કરોડની જોગવાઈ કરવામાં આવતાં રાજ્યમંત્રીશ્રીએ આ બજેટને ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ સૂત્રને સાર્થક કરતું વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું

Translate »
%d bloggers like this: