રૂપિયા.૪૧.૧૫ કરોડના ખર્ચે કંસારા નદી સજીવીકરણ યોજનાનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે

રૂપિયા.૪૧.૧૫ કરોડના ખર્ચે કંસારા નદી સજીવીકરણ યોજનાનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે

આ પ્રોજેકટ થકી માત્ર કંસારા નદીનું જ નહિ પરંતુ પર્યાવરણ, સ્વચ્છતા, પાણી અને આરોગ્યનું પણ શુદ્ધિકરણ થશે

કંસારા નદી સજીવીકરણ પ્રોજેકટ થકી ભાવનગર Loveable, likeable તેમજ livable બનશે

ભાવનગર શહેરના સુભાષનગર પુલ ખાતે રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તથા યાત્રાધામ વિભાગના મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.૪૧.૧૫ કારોડના ખર્ચે કંસારા નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટ પૂર્ણ કરવા શહેરના તમામ શ્રેષ્ઠીઓ,નગરજનોના સહયોગની અપેક્ષા છે.આ પ્રોજેક્ટ થકી માત્ર કંસારા નદી જ નહિ પરંતુ બાગ-બગીચા થકી પર્યાવરણનું, ગંદકી દૂર થશે તેથી સ્વચ્છતા, બોર-ચેકડેમો બંધાતા પાણી અને મચ્છર, માખીઓનો ઉપદ્રવ દૂર થતા આરોગ્યનું પણ શુદ્ધિકરણ તેમજ સજીવીકરણ થશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે હેપીનેસ ઈન્ડેક્સમાં ભાવનગર સમગ્ર રાજ્યમાં અગ્રીમ સ્થાને છે ત્યારે આ પ્રોજેકટ થકી ભાવનગરના વિકાસને ગતિ મળશે તેમજ ભાવનગર loveable, likeable તેમજ livable શહેર બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલ આ પ્રોજેકટ ૮.૧ કી.મી.ની લંબાઈ ધરાવે છે. જે શહેરના કાળીયાબીડ, દુખીશ્યામબાપા આશ્રમ પાછળ આવેલ ગૌરીશંકર તળાવના વેસ્ટ વિયરથી શરૂ કરી તિલકનગર બ્રિજ પાસે આવેલ જુના ડિસ્પોઝલ પ્લાન્ટ સુધીનો વિસ્તાર ધરાવે છે. આ પ્રોજેકટ હેઠળ નિર્માણ થનારી RCC કેનાલની પહોળાઈ ૩૫ મીટર થી શરૂ કરી ૪૬ મીટર સુઘી તથા બંને બાજુ ૧૨ મીટર પહોળાઈના રસ્તાના આયોજન સાથે કુલ ૫૯ થી ૭૦ મીટરની હશે.

કંસારા નદીમાં વહી રહેલ ગંદા પાણીના નિકાલ માટે નદીના ડાબા કાંઠે વિરાણી બ્રિજથી જુના ડિસ્પોઝલ પ્લાન્ટ સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. આથી હાલ નદીમાં વહેતુ તમામ ગંદુ પાણી આ ટ્રન્ક મેઇનમાં ટ્રેપ કરવામાં આવશે. સંગ્રહિત પાણીને ઓક્સિજનયુક્ત રાખવા માટે અંદાજે ૧૨ નંગ વેન્ચુરી ટાઈપ જેટ એરેટર સીસ્ટમ તેમજ અંદાજે ૩૬ નંગ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવશે.

પ્રોજેક્ટના ફાયદા…

આ પ્રોજેકટ થકી કંસારા નદીમાં વહી રહેલ ગંદકી દૂર થશે તેમજ શુદ્ધ પર્યાવરણ પ્રાપ્ત થશે તથા આરોગ્યને લગતા પ્રશ્નો હલ થઈ શકશે. કંસારા નદીની આજુબાજુ વસતા અંદાજે ૨.૫૦ લાખ લોકોને આ પ્રોજેક્ટથી ફાયદો થશે અને આજુબાજુના વિસ્તારોનું પર્યાવરણ શુદ્ધ થશે. મચ્છર વગેરેનો ઉપદ્રવ નિર્મૂળ થશે તથા સુંદર અને ફરવાલાયક જગ્યાનું નિર્માણ થશે. અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેબલ ચાર્જ થવાથી આજુબાજુના વિસ્તારોના પાણીના તળ ઉંચા આવશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખા સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ તેમજ કાર્યક્રમની આભારવિધિ શાસક પક્ષના નેતા શ્રી પરેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી.તેમજ મેયર શ્રી મનહરભાઈ મોરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

gf

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, મેયર શ્રી મનહરભાઈ મોરી, પૂર્વ મેયર શ્રી નિમુબહેન બાંભણીયા તથા સુરેશભાઈ ઘાંધલા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ.એ.ગાંધી, અલંગ એરિયા ડેવલોપમેન્ટના ચેરમેનશ્રી ગીરીશભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિલેશ રાવલ, સીટી એનજીનીયર શ્રી ચાંદારણા સહિતના પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

Translate »
%d bloggers like this: