વડોદરા શહેરના સલાટવાડા રેનબસેરાના લોકોને પૂરની સહાય ન મળતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ
વડોદરા શહેરના સલાટવાડા રેનબસેરાના લોકોને પૂરની સહાય ન મળતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હજુ સહાય મળી નથી ત્યાં ફરીથી પાણી ભરાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરવા છતાં પણ સહાય ન મળતા રોષે ભરાયેલા લોકોએ કાઉન્સિલરનો ઘેરાવ કર્યો હતો.
ગત 31 જુલાઇએ વડોદરા શહેરમાં થયેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પગલે રેન બસેરા, તુલસીવાડી, એકતાનગર સહિત વિવિધ સ્લમ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા. પાણી ઓસરી ગયા પછી પણ રેનબસેરા, તુલસીવાડી જોગણીવાસમાં લોકોને સહાય મળી ન હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સલાટવાડા રેનબસેરામાં આજે સવારે મ્યુનિ. કાઉન્સિલર રમેશ પરમાર(રાજા) રેનબસેરામાં ગયા હતા. સ્થાનિક લોકોએ હજુ સુધી કોઇ સહાય મળી ન હોવાની રજૂઆત કરીને ઘેરાવ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જ્યાં પાણી ભરાયા ન હતા. તેમજ જ્યાં પાણી ઓસરી ગયા હતા. તે તમામ વિસ્તારોમાં સહાય ચૂકવી દેવામાં આવી છે. પરંતુ, રેનબશેરામાં સહાય ચૂકવવામાં આવી નથી.