ભાવનગર જિલ્લામાં પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભાવનગર જિલ્લામાં પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરતા

પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
પાણી વિતરણનું આયોજન સુગ્રથિત કરવા તાકીદે પગલાં લેવા સૂચના અપાઈ પીવાના પાણીના ખેતી કે અન્ય ઉપયોગને કાયદાકીય ગુના સાથે સરખાવતા પ્રભારીમંત્રીશ્રી
પશુઓ માટે અવેડા ન હોય, ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરવા તાકીદ કરી અધિકારીઓ-પદાધિકારીઓની રજૂઆતો સાંભળી તાત્કાલિક વ્યવહારુ ઉકેલ લવાયા
ભાવનગર, તા.6

ભાવનગર જિલ્લામાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના નાગરિકોને પીવાનું પાણી મેળવવામાં કોઈ અગવડ ન પડે તેમજ પાણીને લગતા પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવી, પાણી વિતરણ માટે સુગ્રથિત આયોજન કરવા સૂચનાઓ આપી હતી આ બેઠકમાં ઉપસ્થિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા એવી માહિતી રજૂ કરવામાં આવી હતી કે, ભાવનગર શહેર સહિત જિલ્લામાં કુલ 10.91 લાખ જેટલી સરેરાશ વસ્તીની દૈનિક 178.60 એમએલડી પાણીની જરૂરિયાતની સામે નર્મદા કેનાલમાંથી 88.84 એમએલડી તથા 102.50 એમએલડી સ્થાનિક સોર્સમાંથી મળી કુલ 191.34 એમએલડી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં ભાવનગર શહેરમાં હાલની 6.70 લાખની વસ્તી માટે 123.87 એમએલડી પાણીની જરૂરિયાત છે. જેની સામે નર્મદાનું 50 એમએલડી તેમજ સ્થાનિક સોર્સમાંથી 90 એમએલડી પાણી મળી કુલ 140 એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં સરેરાશ 606 મીમી વરસાદની સામે ગત વર્ષે 449 મીમી એટલે કે 74.09 ટકા વરસાદ થયો હતો. હાલ જિલ્લાનાં શેત્રુંજી અને રોજકી બે જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે. જે પૈકી શેત્રુંજીમાંથી 87 ગામને, જ્યારે રોજકીમાંથી 17 ગામને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

દરમિયાન, મંત્રીશ્રીએ પાણી વિતરણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરી, પાણી વિતરણનું આયોજન સુગ્રથિત કરવા તેમજ આ માટે જરૂરી પગલાં યુદ્ધના ધોરણે લેવા તાકીદ કરી હતી. તદુપરાંત, પાણી પુરવઠા વિભાગ દ્વારા સરપંચ, તલાટી, ગ્રામસેવક વગેરે જવાબદારોની સમિતિ બનાવી, પાણીની સ્થિતિ વિશે માહિતી મેળવવી તેમજ જરૂર જણાય ત્યાં સ્થાનિક સ્રોતમાંથી વ્યવસ્થા કરવા તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જ્યાં પશુઓ માટે પીવાના પાણીના અવેડા ન હોય, ત્યાં પશુઓ માટે પણ પીવાના પાણીની અલાયદી વ્યવસ્થા કરવા ઉમેર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની જરૂરિયાતને માનવતાની દૃષ્ટિએ જોવાની જરૂર છે. પીવાનું પાણી એ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે એટલા માટે તેનો તાત્કાલિક ઉપાય લાવવો જોઈએ તેમ કહ્યું હતું. તેમણે પીવાના પાણીના ખેતી કે અન્ય ઉપયોગને કાયદાકીય ગુના સાથે સરખાવ્યો હતો. તદુપરાંત, બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી તેમની રજૂઆતો અને સૂચનો સાંભળી તેનો તાત્કાલિક વ્યવહારુ ઉકેલ લાવી, અમલવારી કરવા સૂચનાઓ આપી હતી. મંત્રીશ્રીએ આમ નાગરિકોને પાણીનું મહત્ત્વ સમજી તેનો સમજણપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ વક્તુબેન મકવાણા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી , ધારાસભ્ય કનુભાઈ બારૈયા, કલેક્ટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણકુમાર બરનવાલ, એસપી જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસ, પ્રાંત અધિકારીશ્રીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Translate »