તારાપુર હાઈવે પર ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેતી ડફેર ગેંગ ઝડપાઈ

સ્ત્રીનો વેશ ધારણ કરીને ડ્રાયવરોને ટોર્ચ બતાવી લલચાવીને ટ્રક ઊભી રખાવી ગળા પર છરો મૂકી દઈને નજીકના ખેતરમાં લઈ જઈ માર મારીને લૂંટી લેતા હતા.પકડાયેલો રજનીકાન્ત શ્રીમાળી ઈકો કારમાં ડફેરોને લઈને આવતો હતો

આણંદ એલસીબી પોલીસના હાથે ડફેર ગેંગના મુખ્ય સૂત્રધાર જમાલ દાઉદ સિન્ધી સાથે પકડાયેલો રજનીકાન્ત દામોદર શ્રીમાળી પોતાની ઈકો કારમાં ડફેર ગેંગને લઈને લૂંટો કરવા માટે આવતો હતો. રજનીકાન્તને ડફેર જમાલ સાથે ઘનશ્યામ દેવીપૂજકે ઓળખાણ કરાવી હતી. ઘનશ્યામ અગાઉ અમદાવાદ બીઆરટીએસ બસમાં ડ્રાયવર તરીકે નોકરી કરતો હતો. જેથી તે પણ ડફેર ગેંગ સાથે આવતો હતો અને લૂંટ કરવામા નાની -મોટી મદદ કરતો હતો. રાત્રીના સુમારે રજનીકાન્તની ઈકો કારમાં ડફેર ગેંગ સવાર થઈને તારાપુર હાઈવે પર આવી પહોંચતી હતી જ્યાં ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લીધા બાદ ઈકો કારમાં પરત ગાંગડ ગામે જતા રહેતા હતા.

ડફેર જમાલ કચ્છમાં ટ્રક ડ્રાયવરના લૂંટ વીથ મર્ડરમાં સંડોવાયેલો છે

તારાપુર હાઈવે પર ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેવામાં પકડાયેલો મુખ્ય સૂત્રધાર જમાલ દાઉદ સિન્ધી કચ્છ જિલ્લાના માળીયા પોલીસ મથકે દાખલ થયેલા ટ્રક ડ્રાયવરની લૂંટ વીથ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે. જમાલ દાઉદ ઉપરાંત રમઝાન, ગની અને તેના સાળા દ્વારા હાઈવે પર ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેતા હતા. ટ્રકના ડ્રાયવરને ગાડી ઊભી રખાવી હોય તે ટ્રકના ટાયરમાં પંક્ચર પડ્યું છે અને ટાયર બદલતા હોય તેવો શો કરતા, જેથી અન્ય ટ્રકોના ડ્રાયવરો મદદ માટે ટ્રકો ઊભી રાખતા એ સાથે તેમને પણ ગળા પર છરા મૂકી દઈને ખેતરોમાં લઈ જઈ માર મારીને લૂંટી લેતા હતા.

સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને લલચાવતા હતા

તારાપુર હાઈવે પર લૂંટો કરવામાં ઝડપાયેલી ડફેર ગેંગ ટ્રક ચાલકોને સ્ત્રીનો વેશ ધારણ કરીને લલચાવતા હતા. ડફેર ગેંગ પૈકીનો ફરાર રમઝાનનો સાળો સ્ત્રીનો વેશ ધારણ કરી લેતો હતો અને દૂરથી ટ્રક આવતી દેખાય કે તુરંત જ રોડ પર આવી જઈને ટોર્ચ મારીને ટ્રકના ચાલકને લલચાવતો હતો. ટ્રક ચાલક જેવી જ ટ્રક ઊભી રાખે એ સાથે જ રોડની સાઈડે આવેલા ખેતરોમાં સંતાઈ રહેલા અન્ય સાગરિતો છરા લઈને આવી ચઢતાં અને ટ્રક ચાલકના ગળા ઉપર છરો મૂકીને ધમકાવી ખેતરમાં લઈ જતા હતા. જ્યાં તેના જ કપડાં વડે હાથપગ બાંધી દેતા હતા ત્યારબાદ લાકડાના ધોકા વડે તેમજ ગડદાપાટુનો માર મારીને તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ, દાગીના વગેરે જે કાંઈ મળે તે લૂંટીને ફરાર થઈ જતા હતા.

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તારાપુર-વટામણ હાઈવે પર ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેતી ડફેર ગેંગના ત્રણ રીઢા આરોપીઓને ઝડપી પાડીને આણંદ, ભરૂચ તેમજ વડોદરા જીલ્લામાં થયેલી લૂંટોના ભેદ ઉકેલી નાંખ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લોકડાઉન દરમ્યાન વટામણથી તારાપુર તરફ આવવાના રોડ ઉપર કસ્બારા અને ગલીયાણા ગામની સીમમાં ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેવાની ઘટનાઓ ઉજાગર થતાં જ ડીએસપી અજીત રાજીઅનની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસબી પીઆઈ હરપાલસિંહ ચૌહાણ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં આ લૂંટો પાછળ ડફેર ગેંગનો હાથ હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે હાલમાં સક્રિય એવા ડફેરોની તપાસ હાથ ધરતાં ધોળકા જિલ્લાના ગાંગડ ગામે રહેતો જમાલ દાઉદ સિન્ધી (ડફેર) અને તેની ગેંગ સક્રિય હોવાની માહિતી મળતાં જ એલસીબીની ટીમ ગાંગડ ગામે ત્રાટકી હતી અને જમાલ દાઉદ સિન્ધી (ડફેર), રજનીકાન્ત દામોદર શ્રીમાળી અને ઘનશ્યામ અરજણભાઈ દેવીપૂજકને ઝડપી પાડ્યા હતા અને એલસીબી પોલીસ મથકે લાવીને તેઓની પૂછપરછ કરતાં તેઓએ જ આ લૂંટોને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેમાં ત્રણેક મહિના પહેલાં ભાવનગર જિલ્લાના વરતેજ ગામના ટ્રક ચાલક શંકરસિંહ માનકીસિંહ રાજપુત કે જેઓ ટ્રકમાં રોપવેનો સ્ક્રેપ ભરીને કાલોલ જવા નીકળ્યા હતા. દરમ્યાન વહેલી સવારના ચારેક વાગ્યાના સુમારે ઊંઘ આવતાં તેઓએ વરસડા પાટીયા નજીક પોતાની ટ્રકને ઊભી રાખતાં જ ઘસી આવેલા બે શખ્શોએ ગળા ઉપર છરો મૂકીને નજીકના ખેતરમાં લઈ જઈને તેના જ કપડાં વડે બંધક બનાવીને માર મારીને ૧૪૩૦૦ની મત્તા લૂંટી લીધી હતી. આ ઉપરાંત બીજા પણ બે ટ્રકચાલકોને બંધક બનાવીને માર મારી લૂંટી લીઘા હતા. ત્યારબાદ ગત ૨૯-૫-૨૦૨૦ના રોજ ભોલાભાઈ ઉર્ફે મહારાજ ધીરૂભાઈ દેવમોરારી નામના ડ્રાયવર સહિત સાતેક જેટલા ટ્રકના ચાલકોને પણ માર મારીને લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત ભરૂચ અને વડોદરા જિલ્લામાંથી પસાર થતા હાઈવે ઉપર પણ ટ્રક ચાલકોને માર મારીને લૂંટો કરી હોવાની કબૂલાત કરી હતી.

ગેંગના અન્ય ત્રણેક જેટલા સાગરિતો ફરાર થઈ જવા પામ્યા છે જેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

 

Translate »
%d bloggers like this: