ઝાલાવાડના પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે ટીસ્‍યુકલ્‍ચર ખજૂરના ઉત્પાદનના પ્રથમ ચાર વર્ષોમાં ૧.૮૦ કરોડથી વધુની આવક મેળવી

ખજૂરના ઉત્પાદનના પ્રથમ વર્ષે રૂપિયા ૧૮ લાખ, બીજા વર્ષે રૂપિયા ૨૬ લાખ, ત્રીજા વર્ષે રૂપિયા ૫૭ લાખ અને ચોથા વર્ષે ૮૧ લાખની મબલખ કમાણી બાદ આ વર્ષે વરસાદ અને કોરોનાની વિપરિત પરિસ્થિતિ છતાં પણ ૬૦ લાખ રૂપિયાની આવકનો અંદાજ

કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી – સમૃધ્ધ બને તે માટે વડાપ્રધાનશ્રીએ વર્ષ-૨૦૨૨ સુધીમાં ભારતના ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત સરકારે કટીબધ્ધતા સાથે કાર્ય આરંભ્યું, અને કૃષિઋષિઓની સમૃધ્ધિ માટે અમલી બનાવવામાં આવેલ વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરાવ્યું. જેના પરિણામે ગુજરાતના ખેડૂતો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આગળ વધી રહયાં છે.

રાજય સરકારની કૃષિલક્ષી વિવિધ યોજનાઓ અને લોકજાગૃતિના કાર્યક્રમોના કારણે ખેડૂતોમાં જાગૃતિ આવી છે, અને જગતના તાત હવે ચીલા ચાલુ ખેત પધ્ધતિમાંથી બહાર આવી, વૈજ્ઞાનિક પધ્ધતિ સાથેની ખેતી અપનાવી, બાગાયતી પાકોના વાવેતર થકી મબલખ કમાણી કરી રહયા છે. આ ખેડૂત પૈકીના એક પ્રગતિશિલ ખેડૂત એટલે કોંઢના પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઈ પટેલ.

વર્ષોથી પરંપરાગત ખેતી કરતાં લક્ષ્મણભાઈની ૮ વર્ષ પહેલા બાગાયત વિભાગના અધિકારી સાથે મુલાકાત થઈ અને તે મુલાકાતે તેમની પરંપરાગત ખેતીના ખ્યાલને ધડમૂળમાંથી બદલી નાખ્યો. લક્ષ્મણભાઈ જણાવે છે કે, મારે ૫૦ વિઘા જમીન છે. જેમાં ૨૦૧૩-૧૪ ના વર્ષ સુધી હું પરંપરાગત ખેત પધ્ધતિ થકી ચીલા ચાલુ પાક લેતો હતો. તેવા સમયે મને સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત અધિકારીનો સંપર્ક થયો અને તેમના માર્ગદર્શન થકી મે મારી આ ૫૦ વિઘા જમીનમાં ટીસ્યુકલ્ચર (બારાહી) ખજૂરના છોડનું વાવેતર કર્યું.

બાગાયતી ખેતીના તેમના ૮ વર્ષના અનુભવોની ગાથા વર્ણાવતાં લક્ષ્મણભાઇ કહે છે કે, મે ૨૦૧૩-૧૪ ના વર્ષમાં ટીસ્યુકલ્ચર (બારાહી) ખજૂરના ૧ છોડના રૂપિયા ૨૫૦૦ લેખે ૧૦૫૦ છોડ મંગાવ્યા. જેમાં મને સરકારની બાગાયત વિભાગની યોજના અન્વયે પ્રતિ છોડ રૂપિયા ૧૨૫૦ ની સબસીડી પણ મળી છે. ખજૂરના આ છોડનું મે બાગાયત અધિકારીના માર્ગદર્શન મુજબ વાવેતર કર્યું.

ખજૂરના છોડના વાવેતર બાદના શરૂઆતના ૩ વર્ષની લક્ષ્મણભાઈની મહેતન અને તેમણે છોડની કરેલી માવજતનું પરિણામ તેમને ચોથા વર્ષથી જ મળવાનું શરૂ થયું. ખજૂરના ઉત્પાદનની વિગતો આપતા તેઓ જણાવે છે કે, ખજૂરનો એક છોડ સરેરાશ ૧૫૦ કિલો ઉત્પાદન આપે છે. તેથી જ ઉત્પાદનના પ્રથમ વર્ષે જ મને ખર્ચો કાઢતાં અંદાજે રૂપિયા ૧૮ લાખનો નફો થયો. ત્યાર બાદના વર્ષોમાં ક્રમશ: રૂપિયા ૨૬ લાખ, રૂપિયા ૫૭ લાખ અને રૂપિયા ૮૧ લાખનો નફો મને મળ્યો. આ વર્ષે મને રૂપિયા ૧.૨૫ કરોડના નફાની આશા હતી. પરંતુ કોરોનાના કારણે વિમાની સેવા બંધ હોવાથી અમે અમારી ખજૂર બેંગ્લોર, કલકત્તા અને પોંડીચેરી જેવા રાજ્યોમાં એકસપોર્ટ કરી ન શક્યા તેમજ વરસાદના કારણે ખજૂરનો પાક બગડતા અમારી ધારણા કરતાં ૫૦ ટકા નફો ઓછો મળશે. તેમ છતાં પણ આ વર્ષે અમારી વાડીમાં ૧૫૦ ટન ખજૂરનું ઉત્પાદન થશે જેની બજાર કિંમતને ધ્યાને લેતા અમને લગભગ ૬૦ લાખ રૂપિયાની આવક થશે.

બાગાયત વિભાગની સહાય થકી લક્ષ્મણભાઈની ખજૂરના વાવેતરથી લઈને તેના ઉત્પાદન સુધીની સફરને વર્ણાવતાં સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત અધિકારીશ્રી ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, લક્ષ્મણભાઈને ટીસ્યુકલ્ચર ખજૂરના વાવેતર માટે આર. કે. વાય. અંતર્ગત અઢી હેકટરમાં વાવેતર માટે સહાય આપવામાં આવી હતી. જેમાં ક્રમશ : તેમણે વાવેતર વધારીને તેની માવજત થકી ખૂબ સારૂં ઉત્પાદન મેળવી રહયાં છે.

જિલ્લાના મદદનીશ બાગાયત નિયામકશ્રી વિજ્ય કાલરિયાએ જિલ્લાના ખેડૂતોમાં બાગાયતી પાકોના વાવેતર માટે આવેલી જાગૃતિ અને તેના માટે બાગાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સરકારની ખેતીને સમૃધ્ધ બનાવા માટેની કટીબધ્ધતાના પરિણામે ગુજરાતના ખેડૂતોની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો પણ બાગાયતી પાકો તરફનો ઝૂકાવ વધ્યો છે. રાજય સરકારની ફળ – ઝાડ વાવેતર, શાકભાજી વાવેતર જેવી વિવિધ યોજનાઓનો લાભ લઈ ખેડૂતો ચીલાચાલુ ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યાં છે. જિલ્લામાં ટીસ્યુકલ્ચર ખજૂરના વાવેતરની વાત કરીએ તો, જિલ્લામાં હાલમાં ૪૦ થી ૫૦ હેકટરમાં વાવેતર થયું છે. આ ખજૂરનો વાવેતર વિસ્તાર વધે અને ખેડૂતો ચીલાચાલુ પાકોના બદલે ટીસ્યુકલ્ચર ખજૂરના વાવેતર તરફ વળે તે માટે બાગાયત વિભાગ દ્વારા સહાય પણ આપવામાં આવે છે.
gf

રાજય સરકારની કટીબધ્ધતા, બાગાયત વિભાગના અધિકારીઓની કાર્યનિષ્ઠા અને ખેડૂતોની બાગાયત પાકોના વાવેતરની પ્રતિબધ્ધતાનું ખૂબ જ સારૂ પરિણામ આજે ઝાલાવાડની ધરા ઉપર જોવા મળી રહયું છે. આજે અહિંના ખેડૂતોને પિયત માટે નર્મદાના નીર અને સરકારશ્રીની કૃષિ સમૃધ્ધિ માટેની યોજનાઓનો લાભ મળતા ઝાલાવાડની ખેતી અને ખેડૂત સમૃધ્ધિની દિશામાં મકકમતા સાથે આગળ વધી રહયા છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: