એક હાથમાં મોબાઈલ અને બીજા હાથ વડે એક્ટિવા ચલાવતી રાજકોટની મહિલા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

સામાન્ય નાગરિક જ્યારે હેલ્મેટ વગર કે મોબાઈલ ફોન પર વાત કરતો પકડાઈ તો તંત્ર દ્વારા તેને મસમોટો દંડ કરવામાં આવે છે. પણ આ નિયમોનો અમલ કરવાની જવાબદારી જેના શિરે છે તે પોલીસકર્મીઓ જ નિયમોના ધજાગરા ઉડાવતાં જોવા મળે છે. રાજકોટમાં એક મહિલા પોલીસ કર્મી એક્ટિવા પર બિન્દાસ ફોન પર વાતો કરતી જઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

એક હાથમાં મોબાઈલ અને બીજા હાથ વડે એક્ટિવા ચલાવતી રાજકોટની મહિલા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મહિલા પોલીસકર્મીએ માથે હેલ્મેટ પણ પહેર્યું નથી. પણ ખાખી વર્દી પહેરી હોવાથી મહિલા પોલીસ કર્મીને જાણે કે નિયમો તોડવાનો પરવાનો મળી ગયો હોય. પણ કોઈ જાગૃત નાગરિકે નિયમોના લીરેલીરાં ઉડાડતાં પોલીસકર્મીની આ હરકતને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.

હાલ ગુજરાતમાં ઈ મેમોની પણ મોસમ પૂરજોશમાં ચાલી રહી છે. હેલ્મેટ ન પહેરો કે રસ્તા પર થૂંકો તો પણ સીધા ઘરે ઈ મેમો આવી જાય છે. અને આ રીતે પ્રજા પાસેથી પોલીસ કરોડો રૂપિયા દંડ પેટે ઉઘરાવે છે. પણ તે જ પોલીસ નિયમોને પાળવામાં સુસ્ત જોવા મળે છે. ભારતમાં કાયદો બધા માટે સમાન હોય છે. પણ પોલીસ કર્મીઓ ખાખી વર્દી પહેરી હોવાથી તેઓ પોતાને નિયમોથી ઉપર ગણવા લાગ્યા છે. ત્યારે નિયમોનાં પાલનની શરૂઆત પહેલાં પોલીસ કર્મીઓથી થવી જોઈએ તેવો લોકોમાં આક્રોશ છે.

છેલ્લા 8 મહિનામાં રાજકોટ પોલીસ દ્વારા 5 કરોડ 95 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા છે. આમ જ્યારે હવે પોલીસકર્મીઓ જ કાયદાનું ભંગ કરી રહ્યા છે, ત્યારે પોલીસકર્મીને દંડ કોણ ફટકારશે તેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે.

Translate »
%d bloggers like this: