પોષણ અભિયાન અંતર્ગત સરદાર ટાઉન હોલ ખાતે મોબાઇલ ફોન વિતરણ સમારોહની સાથે યોજાયો પોષણ વર્કશોપ

રાજપીપલામાં પોષણ અભિયાન અંતર્ગત સરદાર ટાઉન હોલ ખાતે મોબાઇલ ફોન વિતરણ સમારોહની સાથે યોજાયો પોષણ વર્કશોપ

સંસદસભ્યઓ-મહાનુભાવોના હસ્તે ૯૫૨-આંગણવાડી કાર્યકર અને ૩૮-મુખ્ય સેવિકાઓ સહિત કુલ ૯૯૦ બહેનોને સ્માર્ટ મોબાઇલ ફોનનું કરાયેલું વિતરણ

રાજપીપલા તા 27

. ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, ડૉ. સમતેશ્વર ચૌધરી, યુનિસેફના ડૉ.રાજેશભાઇ, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરી તેમજ આંગણવાડીની મુખ્ય સેવિકાઓ અને કાર્યકર બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રીના “સહી પોષણ દેશ રોશન”ના સંકલ્પ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત યોજાયેલા સ્માર્ટ મોબાઇલ ફોન વિતરણ તથા પોષણ વર્કશોપના કાર્યક્રમને ખૂલ્લો મૂકાયો હતો.
આજના આ સમારોહમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા અને શ્રીમતી ગીતાબેન રાઠવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાની કુલ-૯૫૨ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ૩૮-મુખ્ય સેવિકાઓ સહિત કુલ ૯૯૦ બહેનોને સરકાર તરફથી રોજબરોજની કામગીરી વધુ સધન અને કાર્યક્ષમ બનાવવા માટે સ્માર્ટ મોબાઇલ ફોનનું વિતરણ કરાયું હતું. તદઉપરાંત બ્લોક લેવલ પર NMN કો-ઓર્ડિનેટરને પણ સ્માર્ટફોન આપવામાં આવ્યાં છે.
ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જિલ્લાની આંગણવાડીમાં સેવારત કાર્યકર બહેનો નાના ભૂલકાઓના આરોગ્ય અને તેના પોષણની ખૂબજ મોટી જવાબદારી નિભાવી રહયાં છે. બહેનોની કામગીરી સરળતાથી અને વધુ સધન રીતે થાય તે માટે ટેકનોલોજીથી સજજ સ્માર્ટ મોબાઇલ ફોન સરકારશ્રી તરફથી એનાયત કરાયા છે, ત્યારે બહેનોને તેના સંચાલન માટે જરૂરી માર્ગદર્શન અને વખતોવખતની તાલીમથી સજજ કરીને તેમની ફરજો વધુ અરસકારક રીતે બજાવી શકે એવા પ્રયાસો સરકારના રહયાં છે. જન્મ લેનાર પ્રત્યેક બાળક સશકત, મજબુત જન્મે અને જનમ્યા બાદ તેની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે સરકાર સતત કાળજી રાખે છે.


મનસુખભાઇ વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવતી વખતે બાળકોના મુખ પર જે હાસ્ય દેખાવાની સાથે હોશે હોશે બાળક પ્રવેશ મેળવે છે તેની પાછળ આંગણવાડી કાર્યકર બહેનો બાળકને માનસિક રીતે તૈયાર કરવાની પ્રવૃત્તિઓનો નિખાર જણાઇ આવે છે ધોરણ-૧ માં બાળકના પ્રવેશ માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને ટ્રેઇન્ડ કરવાનું ઉત્તમ કાર્ય આ બહેનો દ્વારા થઇ રહ્યુ છે. સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ રાજપીપલાની એક શાળાની આજની તેમની મુલાકાત અને કાર્યક્રમની ઉપસ્થિતિ દરમિયાન બાળકોમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણના વિષયો સાથેના પ્રદર્શન સહિત શાળા દ્વારા બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવાના થઇ રહેલા શિક્ષણ કાર્યને જોતા જણાવ્યું હતું કે,આવનારા દિવસોમાં નર્મદા જિલ્લો મોડેલ જિલ્લા તરીકેનું સ્વરૂપ ધારણ કરવામાં આગળ વધી રહયો છે ત્યારે, આપણે સૌએ સહિયારા પ્રયાસો સાથે જિલ્લાનું નામ ગુજરાતમાં રોશન થાય તેવી તેમણે હિમાયત કરી હતી.

છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે હાથ ધરેલા સુપોષણ અભિયાન અંતર્ગત કુપોષણથી પીડાતા બાળકોને પોષણની યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે દિશામાં કટિબધ્ધ થવાની સાથે સ્માર્ટ મોબાઇલ ફોનની અપાયેલી સુવિધાથી બહેનોની કામગીરી વધુ અસરકારક બની રહે અને સગર્ભા-ધાત્રીમાતાઓને પણ પોષણ યોજનાનો લાભ મળી રહે તેની વિશેષ કાળજી રાખવા અને કોઇપણ બાળક કુપોષિત ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવાની અને તે અંગેની લોકજાગૃતિ કેળવવામાં વિશેષ યોગદાન આપવા ખાસ અનુરોધ કર્યો હતો.


આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત અને ડૉ. ઝંખનાબેને સુપોષણના પાંચ આધારસ્તંભોમાં પહેલા સોનેરી એક ૧૦૦૦ દિવસ, પૌષ્ટીક આહાર, એનિમિયા, ઝાડા નિયંત્રણ અને સ્વચ્છતા જેવી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડી આ તમામ બાબતોમાં વિશેષ કાળજી રાખવાનું આહવાન કર્યું હતું.

અમારી દરેક અપડેટ મેળવવા માટે નિચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

રિપોર્ટ:.જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: