પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર

પંચમહાલ જિલ્લામાંઘોઘંબા ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો
પ્રારંભ કરાવતા કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર

300 જેટલી ટીમો દ્વારા જિલ્લાના 4.94 લાખ બાળકોના સ્વાસ્થ્ય ચકાસણી હાથ ધરાશે.

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ઘોઘંબા ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ઘોઘંબાની તાલુકા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ રાજ્યના દરેક બાળકનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સંવેદનશીલ રાજ્ય સરકારે વાલીઓને બાળકોના સ્વાસ્થ્યની ચિંતામાંથી મુક્ત કર્યા છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે હવે બાળકોની દવા કરાવવા માટે કોઈ માતા-પિતાએ દેવું કરાવવાની જરૂર નહીં પડે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ સરકારે રાજ્યના તમામ બાળકો માટે આધુનિક પદ્ધતિની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે.તેમણે બાળકોના માતા-પિતા અને શિક્ષકોને તમામ બાળકો આ આરોગ્ય તપાસનો લાભ લે તે જોવા હાકલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે જણાવ્યું હતું કે ભાવી પેઢીના આરોગ્યનું જતન કરવાનું ઉદ્દેશ ધરાવતા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી લઈ ૧૮ વર્ષની ઉમર સુધીના તમામ બાળકોને આવરી લઈ તેમના આરોગ્યની ચકાસણી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમના લાભથી એક પણ બાળક વંચિત ન રહી જાય તે બાબતની ખાસ કાળજી રાખી જરૂર પડ્યે બાળકોની બિમારી અંગે તેમના વાલીઓનું ધ્યાન દોરી પૂરતું ફોલોઅપ લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની 300 જેટલી આરોગ્ય ટીમો દ્વારા 2043 સરકારી અને ખાનગી આંગણવાડીના કુલ 1,52,664 તથા 1547 પ્રાથમિક શાળાનાં કુલ 2,50,069 અને 275 માધ્યમિક શાળાના 75,614 બાળકો સહિત અંદાજે 4.94 લાખ બાળકોની આરોગ્ય તપાસ અને સારવારનો ઉદ્યમ હાથ ધરવામાં આવશે. ગત વર્ષના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ પંચમહાલ જિલ્લામાં 4,79,183 બાળકોની તપાસણી કરી 67,933 બાળકોને સારવાર અપાઈ હતી. 4,576 બાળકોને બાળરોગ, આંખ, ઈ.એન.ટી, ડેન્ટલ સહિતના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની સંદર્ભ સેવાનો લાભ અપાયો હતો તેમજ 964 બાળકોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સુપર સ્પેશ્યાલિસ્ટ સારવારમાં 59 બાળકોને હદયરોગની, 9 બાળકોને કિડનીને લગતા રોગની અને 5 બાળકોને કેન્સરની સારવાર ઉપલબ્ધ કરાવાઈ હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોની આરોગ્ય તપાસણીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, પંચમહાલના પૂર્વ સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમ જ આરોગ્યવિભાગ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: