પંચમહાલ જિલ્લામાં હાલોલ અને જાંબુઘોડા ખાતે વિધવા સહાય કેમ્પોનું આયોજન કરાયું

કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે લાભાર્થીઓને મંજૂરી હુકમ અને પોસ્ટ પાસબુકનું વિતરણ કરવમાં આવ્યું

પંચમહાલ જિલ્લામાં હાલોલ અને જાંબુઘોડા ખાતે યોજાયેલ વિધવા સહાય કેમ્પમાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે અનુક્રમે 1001 અને 70 લાભાર્થીઓને મંજૂરી હુકમ અને પોસ્ટ પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિધવા બહેનોની આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ સરકારે 21 વર્ષનો પુત્ર હોય તેવી વિધવા મહિલાઓનો પણ યોજનામાં સમાવેશ કર્યો છે. વિધવા સહાય યોજનાના લાભાર્થીને સહાયનો મંજૂરી હુકમ મળતાની સાથે જ તેમનું સહાય મેળવવા જરૂરી એવું પોસ્ટ એકાઉન્ટ તાત્કાલિક ખુલી જાય અને પાસબુક મળી જાય તે માટે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોસ્ટ વિભાગના સહયોગથી દરેક તાલુકા મથકોએ યોજવામાં આવી રહેલા વિધવા સહાય કેમ્પોના આયોજનની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે સહાય મેળવવાની પ્રક્રિયાનું સરળીકરણ કરી તંત્રે લાભાર્થીઓને કાગળીયાઓ માટે વિવિધ વિભાગોની મુલાકાત લેવાની ઝંઝટમાંથી મુક્ત કર્યા છે. સરકાર રાજ્યના નાગરિકોનું જીવન સરળ અને સમૃદ્ધ બનાવવા સંવેદનશીલ અને પ્રતિબધ્ધ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે વિધવા સહાય યોજના હેઠળ મળનારી રૂ.1250ની માસિક સહાયથી લાભાર્થીઓને સારો આર્થિક ટેકો થઈ રહેશે અને તેમના જીવનધોરણમાં સુધારો થશે.
પ્રાંત અધિકારી શ્રી એ.કે.ગૌતમે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકારે 21 વર્ષનો પુત્ર હોય તેવી વિધવા માતાઓનો પણ યોજનામાં સમાવેશ કરતા જિલ્લાની ઘણી મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થયો છે. વધુમાં વધુ લાભાર્થીઓને યોજનામાં આવરી લઈને શક્ય તેટલી ઝડપે લાભ મળતો શરૂ થાય તે માટે પોસ્ટ વિભાગના સહયોગથી તંત્રે લાભાર્થીને મંજૂરી હુકમ મળવાની સાથે જ તેનું પોસ્ટ એકાઉન્ટ ખુલી જાય અને પાસબુક ઈશ્યુ થઈ જાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે.
હાલોલ નગરપાલિકા ગાર્ડન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે 1001 લાભાર્થીઓને તેમજ જાંબુઘોડામાં 70 લાભાર્થીઓને મંજૂરી હુકમ અને પોસ્ટ પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત-નગરપાલિકાના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી આલોક ગૌતમ સહિતના જિલ્લા વહીવટીતંત્ર અને પોસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ લાભાર્થી ભાઈ-બહેનો અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

*રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ*

Translate »
%d bloggers like this: