Jetpur-2

વીરપુર: ૧૧ વર્ષની માસુમ બાળા પર કૌટુંબિક બનેવીએ બળાત્કાર ગુજારતા ચકચાર: આરોપીને ફાંસીની સજા અપવાની માંગ સાથે પીડિતાના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા

 

જેતપુરના વિરપુર (જલારામ) ખાતે રહેતા રહેતા એક પરિવારની ૧૧ વર્ષની માસુમ બાળા પર તેના જ ફઇના જમાઈએ નવી લીધેલી ગાડીમાં ચાંલ્લા કરવાના બહાને સાથે લઈ જઈ ગોંડલના દેવચડી ગામની સીમમાં જઇ દુષ્કર્મ આચર્યું હતું. પરત ફરેલી પીડિતાની હાલત જોઈ પરિવારજનો હેબતાઈ ગયા હતા અને સારવાર માટે વિરપુર તેમજ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ભોગ બનનાર બાળકીની અઢી કલાક જેટલી સારવાર ચાલી હતી.

 

ગુજરાત સહીત દેશભરમાં દુષ્કર્મ અને જાતીય સતામણીના બનાવોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે અને દુષ્કર્મ તેમજ જાતીય સતમણીના બનાવોમાં મોટાભાગે કોઈ નજીકના જ સંબંધી અથવા તો પરિચિત જ આરોપી હોવાના બનાવો સામે આવતા રહે છે. આવો જ એક કૌટુંબિક ભાવનાને વેરવિખેર કરનારો એક કિસ્સો જેતપુરના વિરપુરમાં પણ સામે આવ્યો છે ગત ૧૭ ડિસેમ્બરના રોજ વીરપુર ખાતે રહેતા એક પરિવારની ૧૧ વર્ષની બાળાને ફોઈના જમાઈ ભુપત ચાવડા નામના નરાધમ કૌટુંબિક બનેવીએ પોતે નવી ફોરવ્હીલ લીધી અને મુહૂર્ત માટે પૂજા કરવાની વાત કહી પીડિતાના પરિવારજનોને વિશ્વાસમાં લઇ માસુમ બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યાર બાદ ભુપત ચાવડાએ પીડિતાને ગોંડલ તાલુકાના દેવચડી ગામની સીમમાં લઇ જઈ પીડિતા પર દુષ્કર્મ આચરીને પોતાના સાળા મારફત વિરપુર તેના ઘરે પરત મોકલી હતી. ઘરે પરત ફરેલી બાળકીની હાલત જોઈ પરિવારજનોને કંઈક અજુગતું બન્યાની ગંધ આવતા પરિવારજનો એ પીડીતાને પૂછતા પીડિતા ભાંગી પડી હતી અને આપવીતી જણાવી હતી. પરિવારજનોએ પીડિત બાળાને સારવાર અર્થે વિરપુર તેમજ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પીડિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અઢી કલાક જેટલી સારવાર ચાલી હતી.

 

સમગ્ર બનાવના પગલે વિરપુર પોલીસે તત્કાલ પગલાં લઇ અલગ-અલગ ત્રણ ટીમ બનાવી આરોપીનું પગેરું મેળવી આરોપીને રાજકોટ જીલ્લાના કાગદડી ગામેથી ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

આ અગાઉ પણ આરોપી ભુપત ચાવડાએ અન્ય બે બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી હોવાનો આક્ષેપ

આરોપીની ધરપકડ થઈ હોવાની જાણ થતા પીડિતાના પરિવારજનો વીરપુર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને આરોપીને પોતાને હવાલે કરી દેવાની માંગ કરી હતી તેમજ દુષ્કર્મ કરનાર ભુપત ચાવડાને ફાંસીને માચડે ચડાવવાની માંગ કરતા નારાઓ લગાવ્યા હતા. આ અગાઉ પણ આરોપી ભુપત ચાવડાએ અન્ય બે બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી હોવાનો આક્ષેપ પણ પીડિતાના પરિવારજનોએ લગાવ્યો હતો. પોલીસે આરોપી વિરુધ્ધ કડક પગલાં લેવાની ખાત્રી આપી પીડિતાના પરિવારજનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

 

રિપોર્ટર:

સુનિલ જમોડ (જેતપુર)

Translate »
%d bloggers like this: