પોલીસ બેડામાં કોલ્ડવોર! ક્રાઈમ બ્રાંચ અને SOG વચ્ચે ભારે ખેંચતાણ

અધિકારીઓના આંતરિક ડખ્ખા પોલીસબેડામાં ચર્ચાનું કારણ બનતા એક જ બાપના ત્રણ દીકરામાંથી બે દીકરા વચ્ચે કોલ્ડવોર શરૂ થયું હોવાનું ચર્ચાયુ

આંતરિક ખેંચતાણ કે ટાંટિયા ખેંચ માત્ર રાજકારણમાં જ નહી પણ પોલીસ બેડામાં પણ મોટા પ્રમાણે હોવાનું સામે આવ્યું છે. સરકારની સીધી દેખરેખ હેઠળની એજન્સી એટલે કે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે અને અધિકારીઓના આંતરિક ડખ્ખા પોલીસબેડામાં ચર્ચાનું કારણ બનતા એક જ બાપના ત્રણ દીકરામાંથી બે દીકરા વચ્ચે કોલ્ડવોર શરૂ થયું હોવાનું ચર્ચાયુ છે.

આમ તો રાજ્યની તમામ એસઓજીને નારકોટિક્સના ગુના નોંધવા ડીજીપીએ આદેશ આપેલો છે. પરંતુ એ કામમાં પણ એસઓજીનું ખરાબ દેખાય અને વચ્ચે ઘૂસ મારવા હવે અચાનક જ ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ છે અને કેસ કરી રહી છે. આમ તો આ સારી બાબત છે કે, રૂટિન સિવાયની બાબતોમાં ક્રાઈમ બ્રાન્ચ આ બહાને સક્રિય પણ થઈ અને મલાઈદાર કામગિરી સિવાયની કામગીરીમાં રસ લઈ રહી છે.

સૂત્રો કહી રહ્યા છે કે, થોડા સમય અગાઉ એક અધિકારીએ એસઓજીની કામગીરી બગાડવા પ્રયાસ કર્યો હતો. પોતાને સુપર સીએમની નજીકના માનતા આ અધિકારીએ નાર્કો વસ્તુ વેચનાર પર વોચ રાખવાના બદલે એસઓજી શું કામ કરી રહી છે તેની નજર રાખવા માટે અને તેની કેટલીક બાબતો લીક કરવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સમગ્ર મામલો છતો થઈ જતા એસઓજી સક્રિય થઈ અને ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી દીધું હતું.

આ સમગ્ર હકીકતથી એસઓજી પણ વાકેફ થતા હવે એસઓજી પણ સક્રિય થઈ અને કામગીરી દર્શાવી રહી છે. થોડા સમય અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનો કેસ કર્યો હતો, જેમાં સૂત્રધાર મુંબઈનો નદીમ છે જેને પકડવા હવે એસઓજી સક્રિય થઈ જેના ભાગ રૂપે જ એક આરોપીને એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો, જેનું કનેક્શન પણ નદીમ સાથે જોડાયેલું છે.

Translate »
%d bloggers like this: