* આર્મીની 34, NDRFની 35, SDRFની 11 ટીમ ખડેપગે, શાળા પ્રવેશોત્સવ મુલતવી, 5 લાખ ફુડ પેકેટ્સની વ્યવસ્થા *

અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિ.મી. દૂર કેન્દ્રિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્યનું વહિવટીતંત્ર સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે.આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપી હતી.

જેમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(NDRF)ની 15 ટીમ ઉપલબ્ધ છે અને વધારાની 20 ટીમ પૂણે અને ભટીંડાથી રવાના કરાઇ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં 35 ટીમ ખડેપગે રહેશે. તેની સાથે સાથે લશ્કરની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવામાં આવી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કાંઠાળા વિસ્તારમાં મરિન સિક્યુરિટી ફોર્સના જવાનો ઉપરાંત એસડીઆરએફની 11 ટૂકડી રવાના કરવામાં આવી છે. તેમજ 5 લાખ ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરાઈ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 13થી 15 દરમ્યાન યોજનારો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં જ્યાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે ત્યાં આ ત્રણ દિવસ શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ સંભવિત વાવાઝોડાં સામે ‘ઝીરો ટોલરન્સ ઝીરો કેઝ્યુઆલિટી’ના મક્કમ નિર્ધાર સાથે રાજ્યના વહિવટીતંત્રએ સજ્જતા કેળવવા નિર્ધાર કર્યો છે.

મુખ્ય સચિવે સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા કલેક્ટર સહિત વહિવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધી કાંઠાળા વિસ્તારોમાંથી નાગરિકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતરથી માંડીને લોકોના જાન-માલના રક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, વીજળી, રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ વાવાઝોડા સામેની લોકજાગૃતિ જેવા વિવિધ મુદે માર્ગદર્શન-સૂચનો આપ્યા હતા.

Translate »
%d bloggers like this: