વરસાદ ના કારણે શાકભાજી ના ભાવો માં થયો વધારો

  • ગુજરાત સહીત દેશભરમાં મેઘમહેર ચાલી રહી છે ત્યારે વરસાદના કારણે તેની અસર શાકભાજીના ભાવમાં પડી છે અને શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે આથી ગૃહિણીઓમાં કાળો કકળાટ મચી ગયો છે. ભારે વરસાદ આવી અસર કરશે તેવી લોકોને કલ્પના પણ નહોતી. પરંતુ મુશળધાર વરસાદના કારણે હવે મોંઘવારીમાં વધારો ઝીંકાયો છે.
    મહારાષ્ટમાં જળ તાંડવની સ્થિતિ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઇ રહ્યો છે જેના કારણે બહારથી આવતી શાકભાજીના પુરવઠામાં ઘટાડો થયો છે. ઉપરાંત કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડતા શાકભાજીના પાકને ભારે નુકશાન થયું છે જેના કારણે પણ શાકભાજીના ભાવ ધીમે ધીમે આસમાને પહોંચી રહ્યા છે. મહારાષ્ટ તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજી ભારે વરસાદ ના કારણે અમદાવાદ સુધી પહોંચ્યાં નથી. ઉપરાંત ગુજરાતમાં પડેલા વરસાદના કારણે પણ રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી આવતા શાકભાજીની આવક ઓછી થતી હોવાના કારણે ભાવ વધ્યા છે.
    મોટા ભાગની શાકભાજીમાં 20 કિલોના ભાવ દીઠ 30થી લઈને 300 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને તેના પાછળનું કારણ રાજ્ય અને દેશમાં પડી રહેલો મુશળધાર વરસાદ છે. આપને જણાવી દઈએ કે હજુ પણ વરસાદ વિવિધ રાજ્ય તેમજ ગુજરાતમાં વરસી રહ્યો છે. જેના કારણે શાકભાજીનો પુરવઠા ઓછો થશે અને આ કારણે ભાવમાં હજુ પણ વધારો થાય તો નવાઈ નહિ ત્યારે શાકભાજીના ભાવ ઘટે તે માટે પૂરતા પ્રમાણ શાકભાજીનો સ્ટોક આવે તે જરૂરી છે.
Translate »
%d bloggers like this: