નવી દિશા આપશે :મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

નયા ભારતની સંકલ્પનામાં રાજ્યનું આધુનિક બની રહેલું લોક પ્રશાસન

નવી દિશા આપશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

કડક કાયદો વ્યવસ્થાના અમલ માટે સરકાર કટિબધ્ધ : પ્રજાને સરળતા

માટે જુના કાયદા રદ કરી પ્રજાભિમુખ શાસનની દિશા ગુજરાતે લીધી છે

જાહેર વહીવટમાં ગુજરાતે પ્રતિસ્પર્ધા,ઓનલાઈન અને  પારદર્શકતા અને

નાગરિક સેવાની પ્રતિબધ્ધતા અમલમાં મુકી નવા આયામો સિધ્ધ કર્યા છે

તંત્રવાહકો જન સેવાનો અવસર ચુકે નહિ –રૂા.૪૪ કરોડના ખર્ચે નિર્મિત ગીર સોમનાથના

જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનનું લોકાર્પણ કરતા  શ્રી વિજય ભાઈ રૂપાણી

    વેરાવળ તા. ૧૮, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનના નવા ભવનોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, નયા ભારતની સંકલ્પનામાં ગુજરાત પ્રજાભિમુખ સુશાસનથી  નવી દિશા આપશે.

    ગુજરાતનું લોક પ્રશાસન આધુનિક બની રહ્યું છે અને ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શક, લોકાભિમુખ વહીવટથી ઝડપી જનસેવા ઉપલબ્ધ થઈ છે. 

   મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું કે, અગાઉ લોકોને નાગરીક સેવાઓના લાભ લેવા માટે અનેક મુશ્કેલીઓ પડતી હતી. અમારી સરકારે સુશાસન સાથે ઝડપી અને પારદર્શક નાગરીક સેવાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી વિસ્તારીને જનસેવાના નયા આયામો સિધ્ધ કર્યા છે.

 બિન ખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરીને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ પ્રક્રિયા અમલી બનાવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, નવરચિત ગીર સોમનાથ જિલ્લાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી સમયકાળમાં વર્ષ ૨૦૧૩માં વિકેન્દ્રીત જન સેવાના ભાગરૂપે રચના કરી હતી અને હવે જુની કચેરીઓના બદલે આધુનિક અને માળખાગત સુવિધા સાથે સેવાસદનો બન્યા છે, જે લોક સેવામાં નવું બળ આપશે.

   તેમણે નવિન ભવનો જનસેવાના માધ્યમ બને તેવો અનુરોધ કરતા સરકારી કર્મયોગીઓને જન સેવાની જે તક મળી છે તે સમાજ દાયિત્વરૂપે અદા કરવા પ્રેરણા આપી હતી.

   પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે સંવેદનાપુર્વક સમાજની સેવા કરે છે તેનું મોરબીના પોલીસ જવાનની ફરજ નિષ્ઠાનું  દ્રષ્ટાંત આપતા મુખ્યમંત્રીશ્રીએ પોલીસ પ્રજાના મિત્ર તરીકે કામ કરવાની સાથે અસામાજીક તત્વો સામે કડક હાથે કામ લઈને પ્રજાની સુરક્ષાનો વિશ્વાસ સ્થાપિત કરી રહી છે તેમ જણાવ્યું હતું

    મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ દાદા અને ભગવાન દ્વારકાધીશની કૃપાથી વાયુ વાવાઝોડુ અન્ય દિશામાં ફંટાઈ ગયું તે માટે તેઓ સોમનાથ દાદાને નમન કરવા આવ્યા છે તેમ પણ ઉમેર્યું હતું.

   આ રીતે સોમનાથ દાદાની કૃપા વરસતી રહે તે માટે ગુજરાતની જનતા વતી પ્રાર્થના કરી છે તેમ જણાવ્યું હતું.

    સોમનાથ મંદિરના નિર્માણમાં અને રજવાડાઓને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ થતાં સરદાર સાહેબનું એક અને અવિભાજ્ય ભારતનું સપનું સાકાર થયું છે તેમ જણાવીને એક ભારત એક બંધારણ એક વિધાનને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે સાર્થક કર્યું છે તેમ પણ ગૌરવ સાથે જણાવ્યું હતું

    ગુજરાતમાં મહિલાઓના ગળામાંથી ચેનની ચિલઝડપ કરનારને સાત વર્ષની જેલની સજાનો કાયદાની સાથે દારૂબંધી અને નાની બાળાઓ પર અત્યાચારના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુનેગારોને સજા થઈ રહી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

   આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈણાજ ખાતેના કાર્યક્રમમાં રૂા.૪૪ કરોડના ખર્ચે બનેલ બન્ને ભવનોનું લોકાર્પણ ઉપરાંત સખી મંડળની બહેનોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ નવી કચેરીનું નાગરીકોને અપાતી સેવાઓનું જાત નિરિક્ષણ કર્યું હતું.

   આ પ્રસંગે રાજ્યકક્ષાના પંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રજાલક્ષી નિર્ણયો લઇને પ્રજાના છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ પહોંચે તે માટે રાજ્ય સરકાર તત્પર હોવાનું જણાવી ગ્રામ પંચાયતોના નવા મકાનો માટે પણ પૂરતી ગ્રાન્ટ ફાળવી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે ઉપસ્થિત મહેમાનોને આવકારીને ગીર સોમનાથ જિલ્લાની વિકાસગાથા વર્ણવી હતી.

    આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી અને અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતના મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા,સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, ગુજરાત રાજ્ય બિજ નિગમના ચેરમેન શ્રી રાજસીભાઇ જોટવા, પ્રવાસન નિગમના પૂર્વ ડિરેક્ટર શ્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રી શ્રી જશાભાઇ બારડ, પુર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, કલેક્ટર અજય પ્રકાશ,જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધી પ્રાંત અધિકારી શ્રી નીતિન સાંગવાને કરી હતી.

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલાઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: