સ્વતંત્રતા પર્વ યુવા સંમેલન બોડેલી

સ્વતંત્રતા પર્વ યુવા સંમેલન : બોડેલી
: મુખ્યમંત્રીશ્રીની જાહેરાત :
રાજયના આદિવાસી વિસ્તારોમાં સૈનિક સ્કુલો સ્થાપવામાં આવશે
……………………………..
રમત સ્પર્ધાઓમાં મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવવા માટે આદિવાસી રમતવીરોને
મુખ્યમંત્રીશ્રીએ આપ્યા હાર્દિક અભિનંદન

: મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો આનંદ :
સાચા અર્થમાં ભારતનો ભાગ બનેલા કાશ્મીર સાથે આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ઉજવાઇ રહયો છે

સ્વતંત્રતા પર્વ યુવા સંમેલનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ
ગુજરાતના યુવાનોને નવી ચેતના સાથે દેશ નિર્માણમાં જોડાઇ જવા કરી હાકલ

છોટાઉદેપુર : તા.૧૪મી ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અનહદ આનંદની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે ૩૭૦ની કલમ અને ૩૫/એ ની નાબૂદીથી હવે સાચા અર્થમાં ભારતનો ભાગ બનેલા કાશ્મીર સાથે સમગ્ર દેશ ૭૩મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહયો છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહને આ ઐતિહાસિક કદમ માટે અભિનંદન આપવાની સાથે તેમણે ગુજરાતના યુવાનોને નવી ચેતના અને સમગ્ર તાકાત સાથે દેશ નિર્માણમાં જોડાવા હાકલ કરી હતી.

આદિવાસી યુવાનો ખૂબ ખડતલ અને મજબૂત હોય છે. તથા આદર્શ સૈનિક બનવાની ક્ષમતાઓ ધરાવે છે એવી લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આદિવાસી યુવાનો ભારતીય સેનાને લાયક બને અને મોટી સંખ્યામાં સેનામાં જોડાય એની સરળતા કરી આપવા માટે રાજયના આદિવાસી ક્ષેત્રોમાં સૈનિક સ્કુલો બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજયના આદિવાસી જિલ્લાઓમાં મેડીકલ કોલેજો બનાવવાના નિર્ણયનો સરકાર સુપેરે અમલ કરી રહી છે અને બનાસકાંઠા, દાહોદ, તાપી, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં મેડીકલ કોલેજીસની સ્થાપના કરવામાં આવી છે. રાજય સરકારે આદિવાસી સમુદાયને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણનો લાભ મળે એના સમુચિત પ્રબંધો કર્યા છે જેના કારણે હવે તબીબો, ઇજનેરો જેવા તમામ ક્ષેત્રોમાં આદિવાસી અનામત બેઠકો ખાલી રહેતી નથી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસની કેડી પર આગળ વધી રહયું છે. ગુજરાતના યુવાનોને દેશ નિર્માણમાં જોડવાનો રાજય સરકારનો સંકલ્પ છે.
આજથી બે દાયકા પહેલા એક જમાનામાં ગુજરાતમાં માત્ર દશેક વિશ્વ વિદ્યાલયો હતા. આજે ૬૦ થી વધુ યુનિર્વસિટીઓ છે અને સ્પોર્ટસ, ફોરેન્સીક સાયન્સ, યોગ, પેટ્રોલીયમ, રેલ્વે જેવા વિશિષ્ટ ક્ષેત્રોનું શિક્ષણ આપતી યુનિર્વસિટીઓની રાજય સરકારે સ્થાપના કરી છે. જેના પગલે યુવા સમુદાય માટે રોજગારીની અનેકવિધ પ્રકારની તકોનું સર્જન થયું છે.
રાજય સરકારે ગયા વર્ષે દોઢ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ આપી છે અને ૩૩ ટકા મહિલા અનામતના કારણે મહિલા સમુદાયને પણ રોજગારી સમુચિત તકો ઉપલબ્ધ થઇ રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહયું કે કુશળ માનવ સંપદાના ઘડતર માટે મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટિસ ટીમ હેઠળ દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને સુધારેલી એપ્રેન્ટિસ યોજનામાં જોડવાનું રાજય સરકારે આયોજન કર્યું છે. રોજગાર મેળાઓ યોજીને કુશળ યુવાનો રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર બે વર્ષે યોજવામાં આવતાં વાયબ્રન્ટ ગુજરાતથી રોજગારીની વિવિધ તકોનું સર્જન થાય છે. તેમણે કોલેજમાં પ્રવેશતા યુવાનોને ૩ લાખ ૪જી ટેબલેટ આપવાની યોજનાની સાથે શિક્ષણને વધુ સરળ અને ટેકનોલોજી આધારિત બનાવવા સરકારી કોલેજોમાં ફ્રી વાય-ફાઇના પ્રબંધની માહિતી પણ આપી.
રમત-ગમતના ક્ષેત્રમાં વિવિધ સિધ્ધિઓ માટે આદિવાસી રમતવીરોને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આદિવાસી રમતવીરોએ ગુજરાતને નામના અપાવી છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતના ખેલ મહાકુંભ એ યુવાનોને રમતા કર્યા છે. તેમણે કહયું કે યુવા ઉત્કર્ષના ચિંતન સાથે સરકાર આગળ વધી રહી છે અને હર હાથ કો કામ…..હર ખેત કો પાની… એ અમારો સંકલ્પ છે.

મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે ગુજરાત દેશ માટે વિકાસનું રોલ મોડેલ બન્યું છે અને દેશને સસ્ટેનેબલ વિકાસનું દિશાદર્શન કરાવી રહી છે. સ્ટાર્ટ અપ અને સ્ટેન્ડઅપ દ્વારા યુવાનો માટે તકોનું વિપુલ સર્જન કરવામાં આવશે.
યુવાનો ભારતમાતાના પનોતા પુત્ર બને અને દેશ સમક્ષના પડકારોના નિવારણમાં યોગદાન આપે એવો અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું કે ભારતને સર્વસ્વ બનાવો અને તેમણે ગુજરાત મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે – પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આ પ્રેરણા વાકયની યાદ અપાવી.
મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, સુભાષચંદ્ર બોઝ સહિત દેશને સ્વતંત્રતા અપાવનારા અને દેશ માટે જીવન કુર્બાન કરનારા સ્વતંત્ર સેનાનીઓની જાણકારી યુવા સમુદાયને આપી હતી અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જેના તિરંદાજોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ૫૫ જેટલા ચંદ્રકો જીત્યા છે એવી નસવાડીની એકલવ્ય તિરંદાજી અકાદમીને રમતના આધુનિક સાધનો વસાવવા માટે રૂા.૧૮ લાખની સહાયતાનો ચેક મુખ્યમંત્રીશ્રીએ પ્રદાન કર્યો હતો. વિવિધ રમતોમાં મેડલ્સ વિજેતા રમતવીરો, શ્રેષ્ઠ સખીમંડળો, ૧૦૮, ખિલ- ખિલાટ સહિતની સેવાઓના કર્મયોગીઓ તેમજ તાજેતરની અતિવૃષ્ટિ અને પૂર પ્રસંગે રાહત બચાવો અને રાહતની કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સૌને આવકારતાં જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાએ યુવાનોને સ્વામિ વિવેકાનંદજીના માર્ગે આગળ વધીને રાષ્ટ્રની ધરોહર બનવા અનુરોધ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ અને જનસમુદાયે આદિવાસી સાંસ્કૃતિક પરંપરાઓ પ્રમાણે મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભર્યું અભિવાદન કર્યુ હતું.
જિલ્લા પ્રશાસનના સહયોગથી રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજવામાં આવેલા આ સંમેલનમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, ધારાસભ્યશ્રી અભેસિંહભાઇ તડવી, પૂર્વ સાંસદ શ્રી રામસિંહભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી જયંતિભાઇ રાઠવા, શંકરભાઇ રાઠવા, કાંતિભાઇ તડવી સહિત જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકા પદાધિકારીઓ, સરપંચો, યુવક સેવા વિભાગના સચિવ શ્રી રમેશચંદ્ર મીના, સહકાર સચિવશ્રી નલીન ઉપાધ્યાય , ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાની વિવિધ આઇ.ટી.આઇ. સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ, જિલ્લાના વિવેકાનંદ યુવક મંડળોના સદસ્યો ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Translate »
%d bloggers like this: