ખુંખાર ‘કાસુડા’એ જન્મટીપ બદલ ભુજ કૉર્ટમાં DGPને પતાવી દેવાની ધમકી આપી!

ખુંખાર ‘કાસુડા’એ જન્મટીપ બદલ ભુજ કૉર્ટમાં DGPને પતાવી દેવાની ધમકી આપી!

ભુજઃ હત્યાકેસમાં આજીવન કેદની સજા પામ્યાં બાદ જેલમાંથી નાસી છૂટેલાં અને પોલીસ જવાનો પર છરી-ફરસીથી પ્રાણઘાતક હુમલો કરવાના વિવિધ કેસમાં ઝડપાયેલો ખુંખાર અપરાધી કાસમ ઊર્ફે કાસુડો મામદ નોતીયાર હજુ સુધર્યો નથી.
હવે તેણે કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ (ડિસ્ટ્રીક્ટ ગવર્નમેન્ટ પ્લીડર) કલ્પેશ ગોસ્વામીને ભુજમાં કૉર્ટ પરિસરમાં જ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
આ એ જ કાસુડો છે કે જે જૂનાગઢ જેલમાંથી પેરોલ પર છૂટ્યાં બાદ ફરાર થઈ ગયો હતો. તેણે 19 જાન્યુઆરી 2018નાં રોજ ભુજના હંગામી આવાસમાં એલસીબીના ત્રણ કોન્સ્ટેબલ પર છરીથી હુમલો કરેલો. હુમલા બાદ તે ફરાર થઈ ગયેલો. જેલમાંથી ફરાર થયાનાં 51મા દિવસે 1 ફેબ્રુઆરી 2018નાં રોજ ચાર-ચાર પોલીસ સ્ટેશન, LCB-SOGના 30 અધિકારીઓ-જવાનોના મેગા સર્ચ ઓપરેશન બાદ તે ગઢશીશા નજીક મઉં ગામે બાવળની ઝાડીઓમાંથી ઝડપાયો હતો. સર્ચ ઓપરેશન વખતે પણ તેણે માનકૂવાના પોલીસ જવાન પર ફરસીથી નિષ્ફળ વાર કર્યો હતો.

વકીલ કલ્પેશ ગોસ્વામીએ તેને આજીવન કેદની સજા અપાવેલી

નખત્રાણાના ચરાખડા ગામના વતની કાસુડાએ 2009માં નખત્રાણાની ભરબજારે તેની બનેવી ઈબ્રાહિમની હત્યા કરી નાખી હતી. અગાઉ પણ તે નાના-મોટાં ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો હતો. મર્ડર કેસમાં સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કાસુડાને 2010માં આજીવન કેદની સજા અપાવી હતી. ત્યારબાદ કાસુડાને જૂનાગઢ જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. જો કે, 25 નવેમ્બર 2017નાં રોજ પેરોલ પર છૂટ્યાં બાદ તે ફરાર થઈ ગયો હતો. ભુજમાં એલસીબી જવાનો પર છરી વડે હુમલો કરતાં તે પોલીસની નજરે ચઢ્યો હતો. પોલીસ પર કરેલાં હુમલાના કેસમાં પણ સરકારી વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામી છે. ગઈકાલે સાંજે તેને કૉર્ટમાં લવાયો ત્યારે કૉર્ટ નંબર 8ની લોબીમાં તેણે પોલીસ જાપ્તાની હાજરીમાં કલ્પેશ ગોસ્વામી સામે આંખો કાઢીને તેમને પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ગોસ્વામીએ કૉર્ટમાં પણ રજૂઆત કરી હતી અને પાછળથી તેની વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
રિપોર્ટ અસઞર માંજોઠી નાગ્રેચા કચ્છ

Translate »
%d bloggers like this: