રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ATMAnirbhar મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ATMAnirbhar મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી જિલ્લાના ખેડૂતો માટે માહિતીની પ્રાપ્તિ સરળ બનાવી

ભાવનગર તા.૨૭ : રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ આજે ભાવનગર જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને ખેત સંલગ્ન કામગીરી સાથે જોડાયેલા લોકો માટે ‘આત્મનિર્ભર મોબાઇલ એપ્લિકેશન’નું લોકાર્પણ કરીને ખેત સમુદાય માટે માહિતીની સરળ પ્રાપ્તિ સહજ બનાવી છે.


‘આત્મનિર્ભર મોબાઇલ એપ્લિકેશન’માં જિલ્લાના ખેડૂતો જિલ્લાના મુખ્ય પાકો વિશેની માહિતી સરળતાથી મેળવી શકશે. ખેડૂતો વિવિધ વિભાગમાં આવતી સહાય વિશેની માહિતી મેળવી શકશે, વધુમાં ઓનલાઇન અરજી કરવા માટે તમામ સહાય ઘટકોમાં આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા માટેની સીધી લિંક પણ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે. ખેડૂત વર્ગ મુખ્ય પાક સિવાય તથા ખેતી સંબંધિત કોઇ પણ માહિતી સરળતાથી મેળવી શકે તે માટે કિસાન કોલ સેન્ટર નંબરની સુવિધા પણ આ એપ્લિકેશનમાં આપવામાં આવી છે.

‘આત્મનિર્ભર મોબાઇલ એપ્લિકેશન’ના લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે, “ભાવનગર જિલ્લાનો ખેડૂત આધુનિક સમયને અનુરૂપ રીતે ખેતી સંબંધિત માહિતી મેળવીને આત્મનિર્ભરતાના પંથે આગળ વધી શકે તેવો આ મોબાઇલ એપ્લિકેશનનો મુખ્ય હેતુ છે. આ મોબાઇલ એપ્લિકેશન જિલ્લાના ભૂમિપુત્રોને ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પની પૂર્તતામાં યોગદાન આપવા સક્ષમ બનાવશે.”
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેતી અને ખેડૂતને ખુશહાલ બનાવવાના ધ્યેય સાથે લખેલા પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’નું વિતરણ પણ આ અવસરે ઉપસ્થિત લોકોમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

gf

Translate »
%d bloggers like this: