ડ્યુટી પર અમે પહેલીવાર મળ્યા. મેં એમને ઘણી ના પાડી કે તમારે મને સલામ કરવાની ન હોય. આફ્ટરઓલ, તેઓ પપ્પા છે મારા. પણ છતાં તેમણે સલામ કરી ત્યારે હું બહુ અનકમ્ફોર્ટેબલ થઈ ગયેલી. પછી જવાબમાં મેં પણ તેમને સેલ્યુટ કર્યું

‘ડ્યુટી પર અમે પહેલીવાર મળ્યા. મેં એમને ઘણી ના પાડી કે તમારે મને સલામ કરવાની ન હોય. આફ્ટરઓલ, તેઓ પપ્પા છે મારા. પણ છતાં તેમણે સલામ કરી ત્યારે હું બહુ અનકમ્ફોર્ટેબલ થઈ ગયેલી. પછી જવાબમાં મેં પણ તેમને સેલ્યુટ કર્યું.’

કેટલાક દ્રશ્યો જ એવા હોય જે પાણીનો ગર્ભ લઈને આવે. જેની આંખે અથડાય, એને ભીંજવી નાખે. આવા દ્રશ્યો વારંવાર નથી સર્જાતા કે જ્યારે ફરજ પર રહેલો એક પિતા પોતાનાથી ઉંચી પદવી પર બિરાજમાન પોતાની જ દીકરીને, ઉન્નત મસ્તક સાથે ગર્વથી સલામ ભરતો હોય.

આંધ્રપ્રદેશના ગુન્ટૂર જીલ્લામાં સર્કલ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા શ્યામ સુંદર, એ જ વિસ્તારમાં DSP ( Deputy Superintendent of Police ) તરીકે આવેલી પોતાની દીકરી જેસ્સી પ્રસાંથીને સલામ કરે અને આખો દેશ ગળગળો થઈ જાય, એ વહાલ અને વાલીપણાની તાકાત છે. પ્રેમ અને પેરેન્ટીંગનો પાવર છે. આ ફોટો પિતા અને દીકરી વચ્ચે સ્થપાયેલા એક ભાવનાત્મક લગાવનું સ્મારક છે.

આ દીકરીને ભણાવવા માટે પિતાએ કેટલાય સંઘર્ષો વેઠ્યા હશે, જેથી ભવિષ્યમાં એક દિવસ તેઓ એને સલામ કરી શકે. પોતાની ઈચ્છાઓ સાથે સમાધાન કરીને, દીકરીના ભણતર અને જરૂરિયાતોને સમજી હશે કે જેથી એક દિવસ તેઓ સલામ કરી શકે.

દુનિયાના અભિપ્રાયોની પરવા કર્યા વગર એને રોજ સવારે કેટલું દોડાવી હશે, ભણાવી હશે, તાલીમ આપી હશે કે જેથી એક દિવસે તેઓ સલામ કરી શકે. ક્યારેક ખીજાયા હશે, ક્યારેક સજા પણ કરી હશે. કેટકેટલા નિયંત્રણો લાદયા હશે, ક્યારેક એની સાથે કડકાઈથી વર્ત્યા હશે અને તેમ છતાં એની વહાલ અને જતનથી માવજત કરી હશે કે જેથી એક દિવસ તેઓ સલામ કરી શકે.

પોતે ભૂખ્યા રહીને પણ દીકરીની આગળ વધવાની ભૂખને ઉઘાડી હશે. ઉજાગરા કરીને દીકરીને DSP બનાવવાના સપનાઓ જોયા હશે. ગામના મેણા-ટોણાથી કંટાળ્યા કે હતાશ થયા વગર દીકરીને સતત પ્રોત્સાહન આપ્યા કર્યું હશે કે જેથી એક દિવસ એક પિતા પોતાની દીકરીને સલામ કરી શકે.

આવો ઉછેર અને આવા ઉદાર પિતાથી ધન્ય થયેલી દીકરી પણ પોતાની પદવી અને પ્રોટોકોલ ભૂલીને ડ્યુટી પર પોતાના ઈન્સ્પેક્ટર પિતાને સલામ કરે, ત્યારે બાળ-ઉછેર અને બાળ-કેળવણી પરની શ્રદ્ધા વધુ મજબૂત થતી જાય.

દીકરીને સલામી આપી રહેલો, આ એ માણસ છે જે દીકરીના જન્મ વખતે નિરાશ નહીં થયો હોય. અને આવા લોકોને કારણે જ માનવતા હજી નિરાશ નથી થતી. મારા જેવો દીકરીનો બાપ નિરાશ નથી થતો.

‘પ્રજનન’નો આખો ઉદેશ્ય જ એ છે કે આપણા કરતા અનેકગણો વધારે હોનહાર અને હોંશિયાર નાગરિક આપણે આ દેશને અર્પણ કરીએ. એ દીકરો હોય કે દીકરી, આપણા સંતાનોમાં ઈન્વેસ્ટ કરેલો વિશ્વાસ જ્યારે રીટર્ન્સ આપે છે ત્યારે આખો દેશ સલામી આપે છે.

Translate »
%d bloggers like this: