અમદાવાદ / પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ, અડધી કલાકમાં 100 લોકોને બચાવી આગ કાબૂમાં લીધી

ચોથા માળે આવેલી આઇટી કંપનીના 100 લોકો ફસાયા હતા
આગ લાગ્યા બાદ લોકોને પેન્ટ્રીની બારીમાંથી ધાબે લઈ જવાયા હતા*
એડીશનલ અને ડેપ્યૂટી ફાયર ઓફિસર સહિત 36 જવાનો કામે લાગ્યા હતા*

અમદાવાદઃ શહેરના પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેને પગલે 5 ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ચોથા માળે માણેક ટેક નામની આઇટી કંપની આવેલી હોવાથી 100 જેટલા આઈટી પ્રોફેશનલ ચોથા માળે ફસાયા હતા. ત્યાર બાદ તેમને અડધી કલાકમાં જ બચાવી લેવાયા હતા અને આગ પર કાબૂ મેળવાયો હતો. જ્યારે એક વ્યક્તિને ધૂમાડાની અસર થઈ હતી. આ બચાવ કામગીરીમાં એડીશનલ ફાયર ઓફિસર, ડેપ્યૂટી ફાયર ઓફિસર સહિત 36 જવાનો કામે લાગ્યા હતા. ભોંયરામાં 50 જેટલા વાહન હતા, જેમાંથી પાંચ જેટલા વાહન અર્ધા બળી ગયા હતા.

*બે મોટી સીડી અને દોરડાની મદદથી ફસાયેલા લોકોને બચાવ્યા*

આગ લાગ્યા બાદ ઘણા લોકો ધાબા પર જતાં રહ્યાં હોવાથી આગથી બચી ગયા હતા. જ્યારે બાકીના લોકોને બચાવવા માટે બે મોટી સીડી અને દોરડાની મદદ લેવામાં આવી હતી. સીડીની મદદથી અત્યાર સુધીમાં 100 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ચોથામાળ સુધી ધુમાડો ફેલાયો હોવાથી ધુમાડો કાઢવા કાચ તોડવામાં આવ્યા હતા.

*એસી, કોમ્પ્યુટર બંધ કર્યાં, પછી પેન્ટ્રીમાંથી ફાયર બ્રિગેડની મદદથી ટેરસ પર ગયા*

આગમાં ફસાયેલા રિદ્ધિ પટેલે જણાવ્યું કે, આગ લાગવાથી સરે તુરંત બચાવ્યા, પહેલા તમામ કોમ્પ્યુટર, એસી અને લાઈટ બંધ કર્યાં, ત્યાર બાદ પેન્ટ્રીમાં ગયા અને ત્યાંની મોટી બારીમાંથી એમ્બયુલન્સ અને ફાયર બ્રિગેડની મદદ લઈ તમામ લોકો ટેરસ પર ગયા. હાલ બધા સલામત છે. જો કે તમામ લોકો ડરી ગયા હતા.

આ આગ અંગે ઘટના સ્થળ પર હાજર અશોક પટેલ નામના યુવાને જણાવ્યું કે, આગ લાગીને ધુમાડો ઉપર આવ્યો, પણ અમને બીજી કંઈ ખબર નથી.

અહેવાલ : પ્રતીક મિસ્ત્રી સુરત

Translate »
%d bloggers like this: