પોલીસે ફિલ્મી ઢબે રીક્ષામાં લટકી ગેંગ ઝડપી

 

આરોપીઓ પોલીસને જોઇને રીક્ષામાં ભાગતા હતા ત્યાં પોલીસે રીક્ષાનો પાછળ પીછો કરીને રીક્ષામાં લટકીને આરોપીને પકડી લીધા હતા

*અમદાવાદ* શહેરની કાગડાપીઠ પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગ મોટાભાગે એસટી બસ સ્ટોપ કે રેલવે સ્ટેશન પર જતી અને જે પણ સિનિયર સિટિઝનો હોય તેનો મુદ્દામાલ ચોરી કરતી હતી. ગીતામંદિર એસટી બસસ્ટોપ પર આવી જ એક ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ કરી તો, બીજા દિવસે ત્યાં ચોરી કરવા આવેલી આ જ ગેંગ પોલીસને સીસીટીવી ફુટેજ પરથી મળી આવી અને તેના પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓ રીક્ષામાં બેસીને ભાગવા જતા હતા, પણ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યા હતા.

આ ગેંગ પાસેથી પોલીસે 35 તોલા સોનાના દાગીના અને 76 હજાર રોકડ રકમ કબજે કરી. આ ગેંગ બસ અને રેલવેમાં મુસાફરી કરનારા લોકોને ટાર્ગેટ કરતી. આ ગેંગે માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અન્ય શહેરોમાં પણ સંખ્યાબંધ ગુના આચર્યા છે. કોણ છે આ ગેંગ? ક્યાં આચરી ચોરી? જોઇએ બધી વિગત.

અમદાવાદના એક સિનિયર સીટિઝન બુધવારે એસટી બસમાં પેટલાદ જઇ રહ્યા હતા, તે સમયે સિનિયર સિટિઝનને મદદ કરવાના બહાને કેટલાક લોકો બસમાં ચઢ્યા હતા. આ વૃધ્ધ દંપત્તિનો સામાન મૂકવાની મદદ કરવાનું કહી પાંચમાંથી બે શખ્સોએ મદદ કરી અને અન્ય શખ્સો આસપાસમાં ગોઠવાઇ ગયા હતા. બાદમાં ડિસમિસ વડે શખ્સોએ બે પગ વચ્ચે મૂકેલી બેગમાંથી 9 તોલાથી વધુ દાગીના અને રોકડા રૂપિયા ચોરી કરી લીધા હતા. અને બાદમાં એક પછી એક ફોન પર વાત કરતા કે અન્ય કોઇ બહાને નીચે ઉતરી ફરાર થઇ ગયા હતા.

સિનિયર સીટિઝન દંપત્તિએ જાગૃતતા દાખવી તાત્કાલિક કાગડાપીઠ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી તપાસ કરતા તે શંકાસ્પદ લોકો એસટી બસસ્ટેન્ડ પર જ અનેક વાર ફર્યા હોવાનું સામે આવ્યું હતું. અને ફરી એક વાર ચોરી કરવા આવે તે પહેલા જ એસટી સ્ટોપ પરથી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. જો કે આ ગેંગમાંથી એક આરોપી હજુય ફરાર છે.

આરોપીઓ પોલીસને જોઇને રીક્ષામાં ભાગતા હતા ત્યાં પોલીસે એ રીક્ષાનો પાછળ પીછો કરીને રીક્ષામાં લટકીને આરોપીને પકડી લીધા હતા અને આમ, કાગડાપીઠ પોલીસે આંતરરાજ્ય ગેંગના આરોપીને ફિલ્મી સ્ટાઇલે ઝડપી પાડ્યા હોવાનું કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ યુ ડી જાડેજાએ જણાવ્યું છે.

કાગડાપીઠ પોલીસસ્ટેશનના પીએસાઇ મિતેષ પટેલે જણાવ્યું કે, હરિયાણા ગેંગના આરોપીઓ મુસાફરી કરનાર પેસેન્જરોને ટાર્ગેટ બનાવતા હતા. બેગમાં રહેલ કિમતી સામાન ચોરી કરવામાં આ ગેંગ માહેર છે. ગેંગમાં છ લોકો ભેગા મળીને ચોરીના ગુનાને અંજામ આપતા હતા. જેમાં બેથી ત્રણ તસ્કરો મુસાફરોને વાતોમાં રાખે અને બીજા તસ્કરો ટાર્ગેટ કરેલ મુસાફરના બેગમાંથી સિફત પુર્વક કિમતી સામાન ચોરી કરીને નાંસી જતા હતા. આરોપીઓ એક રાજ્યમાં ચોરી કર્યા બાદ બીજા રાજ્યમાં ચોરી કરવા પહોચી જતા હતા. આમ કરીને રાજ્યભરમાં આ ગેંગ ચોરીનો આંતક મચાવતા હતા.

હરિયાણા ગેંગનો મુખ્ય આરોપી રાકેશ, જોગીન્દર, સુરેન્દર રાજપુત, સત્બીર અને રામચંદર છે. આ ગેંગ ગુજરાત સહિત દિલ્હી, રાજસ્થાનમાં અનેક મુસાફરોની બેગમાં રહેલ કિમતી સામાન આંખના પલકારે ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. આરોપીઓએ ત્રણ રાજ્યોમાં ગુના આચર્યા હોવાની કબુલાત કરી છે. પોલીસ આશંકા છે કે, અનેક ગુનાને અંજામ આપી ચુક્યા હોઇ શકે છે.

Translate »
%d bloggers like this: