*અમદાવાદના વેપારીને મુંબઈ એરપોર્ટ પર મજાક કરવી ભારે પડી ગઈ, ગયો જેલમાં*

અમદાવાદના 35 વર્ષીય વેપારી અતુલ પટેલને મુંબઈ એરપોર્ટ પર પોતે સ્યુસાઈડ બોમ્બર હોવાનો જોક કરવો મોંઘો પડી શકે છે. દુબઈ જવા માગતો આ વેપારી હાલ તો જેલની હવા ખાઈ રહ્યો છે અને જો ગુનો સાબિત થશે તો તેને 6 વર્ષની જેલની સજા થઈ શકે છે. પટેલ દુબઈમાં બિઝનેસ મીટિંગ માટે જતો હતો. આ સમયે તેણે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા CISF અધિકારીને શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાના સુમારે ચેક પોઈન્ટ પર કહ્યું કે મને જલ્દીથી ચેક કરી લો હું સ્યુસાઈડ બોમ્બર છું.

ત્યારબાદ CISFના જવાનોએ લગભગ એ કલાક સુધી તેનું સંપૂર્ણ ચેકિંગ કર્યું હતું જોકે તેની પાસેથી કોઈ વિસ્ફોટક મળ્યા નહોતા. તેમજ તેના સામાનને પણ સ્ક્રિનિંગ મશીનમાંથી અલગ કાઢીને ડિટેઇલ ચેક કરવામાં આવ્યો હતો. જે બાદ પટેલને સ્થાનિક પોલીસના હવાલે કરી દેવાયો હતો. આ દરમિયાન જ્યારે CISF દ્વારા ચેકપોઈન્ટ પર પોતે જે બોલ્યો હતો તે એક કાગળમાં લખવાનું કહેતા પટેલે લખીને પણ આપ્યું હતું કે, ‘I am a suicide bomber, મુઝે જલ્દી ચેક કર લો.’ સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, આવું તેણે શા માટે કર્યું આ બાબતે પટેલે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

પોલીસ તેના વિરુદ્ધ IPCની કલમ 505(1) ભય ફેલાય તેવી અફવા ફેલાવવી અને 506 ગુનાહિત ધમકીનો ગુનો દાખલ કર્યો છે. જે અંતર્ગત તેને વધુમાં વુધુ 6 વર્ષની જેલ થઈ શકે છે. પોલીસે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો જેણે 1 જુલાઈ સુધી પોલીસને ન્યાયિક કસ્ટડી સોંપી હતી. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ગુરુવારે સહાર પોલીસે પહેલીવાર UAPA એક્ટનો ઉપયોગ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કર્યો હતો જેમાં તેની વિરુદ્ધ મુંબઈ-નેવાર્ક ફ્લાઇટમાં બોમ્બ મુક્યાની અફવા ફેલાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ધમકીભર્યા મેઈલ પાછળના વ્યક્તિને પકડી પાડવા માટે સાયબર પોલીસ મેઇલના IP એડ્રેસને ટ્રેસ કરવા પર કામ કરી રહ્યું છે.

—————

Translate »
%d bloggers like this: