ભુજની ગેંગે સસ્તા સોનાના નામે મુંબઈના સોનીના આ રીતે 15.30 લાખ પડાવ્યાં

ભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. ભુજની ચીટર ગેંગે આ વખતે મુંબઈના સોનીને સસ્તામાં સોનુ આપવાની લાલચે 15.30 લાખમાં નવડાવી દીધો છે.
બનાવ અંગે મુંબઈના વિરાર (વેસ્ટ)માં રહેતા 30 વર્ષિય નીલેશ રમણ જૈને ભુજના 5 યુવકો સહિત સુરેન્દ્રનગરમાં પોલીસ બનીને આવેલાં 3 યુવકો સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફિલ્મી કથા જેવી છેતરપિંડીની આ કથામાં મોટાભાગના પાત્રો જૂનાં ખેલાડી જ નીકળ્યાં છે. મુંબઈના ઝવેરી બજારમાં જ્વેલર્સ તરીકે શોપ ધરાવતા નીલેશના જણાવ્યા મુજબ છેતરપિંડીનો પ્રારંભ ફેસબૂક પર પરિચય કેળવવાથી થયો હતો. પહેલી સપ્ટેમ્બરે તેને ફેસબૂક પર નીલેશ સોની નામની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવેલી. રીક્વેસ્ટ મોકલનાર નીલેશના ફોટોના બદલે સોનાના બિસ્કિટનો ફોટો હતો. નીલેશે જૈને સ્ટેટસ ચેક કરતાં તેમાં 1 કિલો સોનાનો ભાવ 30 હજાર રૂપિયા લખેલો અંગ્રેજી ફોટો પોસ્ટ કરાયેલો હતો. સોનાનો ભાવ 40 હજારની નજીક પહોંચેલો ત્યારે 30 હજાર રૂપિયે મળતા સોનાના ફોટોથી નીલેશ જૈન ચકરાવામાં પડી ગયો હતો. તેણે રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી એફબી મેસેન્જરમાં હાય કરીને મેસેજ પાઠવ્યો હતો. સાંજે 5 વાગ્યે નીલેશ જૈનને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે તેને ભુજથી સમીર બોલું છું, થોડીકવાર બાદ અમારા શેઠ જિજ્ઞેશ પટેલ સાથે વાત કરાવું છું તેમ જણાવ્યું હતું. થોડીકવાર બાદ નીલેશને જિજ્ઞેશ પટેલનો ફોન આવતાં નીલેશે કૂતુહલવશ પૂછ્યું હતું કે ‘માર્કેટમાં 40 હજારે સોનુ પહોંચ્યું છે તો તમને દસ ગ્રામે દસ હજાર ઓછા ભાવે સોનુ કઈ રીતે પરવડે છે?’ તેમ પૂછ્યું હતું. જવાબમાં જિજ્ઞેશે પોતાને કસ્ટમ ઑફિસરો અને પોલીટીશીયનો સાથે સેટીંગ હોવાનું જણાવી મુંદરા પોર્ટ પર દાણચોરીનો માલ આવતો હોઈ સોનુ સસ્તું પડતું હોવાનું જણાવી સસ્તા ભાવે સોનુ ખરીદવા ઑફર કરી હતી. નીલેશ પર્યુષણ અને ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ વાત કરવાનું જણાવ્યું હતું. 5મી સપ્ટેમ્બરે નીલેશે સામેથી સમીરના નંબર પર ફોન કર્યો હતો. ત્યારે જિજ્ઞેશભાઈ કામમાં બીઝી હોવાનું જણાવી સમીરે તેમને ભુજ રૂબરૂ આવી મિટિંગ કરી લેવા જણાવ્યું હતું. જેથી નીલેશ તે જ દિવસે દોઢ લાખની રોકડ લઈ તેના ભાઈ દર્પણ સાથે ટ્રેનમાં બેસી છઠ્ઠી સપ્ટેમ્બરની સવારે ભુજ આવી પહોંચ્યો હતો. અહીં તેમને લેવા GJ-12 DM-1995 નંબરની હ્યુન્ડાઈ કાર રેલવે સ્ટેશન આવી હતી. બેઉને સમીરે સ્ટેશન રોડ પરની હોટેલ નિત્યાનંદમાં રોકાઈ ફ્રેશ થવા જણાવ્યું હતું. નીલેશ હોટેલ પર પહોંચી તેના ભાઈના નામે રૂમ બૂક કરાવી ચા-પાણી કરી ફ્રેશ થયો હતો. એકાદ કલાક પછી સમીર ક્રેટા કાર લઈ હોટેલ પર આવ્યો હતો. બેઉ ભાઈને તે ભુજના રહીમનગર એરીયામાં પ્રભાત બેકરી પાસે આવેલા એક બંગલામાં લઈ ગયો હતો. બંગલામાં 22થી 25 વર્ષના યુવક જિજ્ઞેશ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. જિજ્ઞેશે તેમને 100 ગ્રામનું અસલી સોનાનું બિસ્કિટ બતાડી સોદો કરવા જણાવ્યું હતું. જેથી નીલેશે પોતાને સોનુ ખરીદવાના બદલે સસ્તુ સોનુ કઈ રીતે આવે છે તે જાણવામાં રસ હોવાનું જણાવ્યું હતું. જિજ્ઞેશે તેને ‘માંડવીના હાજીભાઈ મારા બૉસ છે, તેમનો શીપ બનાવવાનો બીઝનેસ છે અને મુંદરામાં કસ્ટમ જોડે તેમનું સેટીંગ હોઈ દાણચોરીનો માલ હોઈ સસ્તામાં આવતો હોવાનું’ કહીને તેને 10 ગ્રામના 5 બિસ્કિટ ખરીદી લેવા જણાવ્યું હતું. તે પેટે 3 લાખ રૂપિયા થતાં હોવાનું જણાવી એડવાન્સ બે લાખ આપો તો અડધા કલાકમાં માલ મળી જશે તેમ જણાવ્યું હતું. મુંબઈથી દોઢ લાખની રોકડ સાથે આવેલા નીલેશે હોટેલ પર પરત જઈ એટીએમમાંથી 50 હજાર કેશ કઢાવી સમીરને બે લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, જિજ્ઞેશે ‘તમે સમીરને રૂપિયા આપી દો, હાલ માલ ખલાસ થઈ ગયો છે. હમણાં બે-અઢી કલાકમાં માણસ મુંદરા જઈ માલ લઈ પરત આવી તમને ડિલિવરી આપી દેશે’ તેમ કહેતા તેમણે સમીરને બે લાખ રૂપિયા આપી દીધા હતા. જો કે, માલ મળ્યો નહોતો. દરમિયાન જિજ્ઞેશે તેમને ફરી ફોન કરી મુંબઈ પાછા જવાનું સૂચન કરી કહ્યું હતું કે ‘મુંબઈની એક પાર્ટી માટે મુંદરાથી માલ લોડ થઈ ગયો છે. તમે મુંબઈ પહોંચો. સમીર કસ્ટમના શર્માસાહેબ સાથે મુંબઈ આવી માલ આપી દેશે.’ જેથી નીલેશ અને દર્પણ બેઉ જણ એ જ રાત્રે ટ્રેન મારફતે મુંબઈ પહોંચ્યા હતા. બીજા દિવસે સમીર સાથે ફોન પર વાત થઈ તો સમીરે તેને જણાવ્યું હતું કે ‘અમે હજુ દમણમાં છીએ, સાહેબોએ ડ્રીન્ક કરી લીધું હોઈ મોડું થઈ ગયું છે. બપોર સુધીમાં પહોંચી જઈશું. જિજ્ઞેશભાઈએ તમારા માટે 500 ગ્રામ ગોલ્ડ મોકલ્યું છે. એટલે તમે બાકીના 13.30 લાખ તૈયાર રાખજો. મુંબઈ આવી માલ આપી દઈશ’ સમીર ફોન પર વારંવાર શર્માનું નામ બોલતો હતો. નીલેશે નેટ પર ચેક કરતાં મુંદરા કસ્ટમમાં શર્મા નામના અધિકારીનું નામ જોવા મળતા તેને થોડોક વિશ્વાસ બેઠો હતો. મધરાત્રે સમીરે નીલેશના મોબાઈલ પર ફોન કર્યાં હતા. બીજા દિવસે નીલેશે મીસ કોલ જોઈ સમીરને ફોન કરતાં સમીરે તેને જણાવ્યું હતું કે ‘રાત્રે અઢી વાગ્યે મુંબઈ આવેલો. પણ તમે ફોન રીસીવ ના કર્યો એટલે માલ બીજી પાર્ટીને આપી દીધો. હાલ પુના છું ને હવે પ્લેનથી અમદાવાદ અને ત્યાંથી સુરેન્દ્રનગર જવાનો છું. બે કલાક પછી ફોન કરું છું’

સુરેન્દ્રનગર બોલાવી 13.30 લાખ પડાવી લેવાયાં

સુરેન્દ્રનગર પહોંચ્યા પછી સમીરે નીલેશને ફોન કરી જણાવ્યું હતું કે અહીં એક પાર્ટી પાસે 700 ગ્રામ સોનુ છે. તમે બે લાખ એડવાન્સમાં આંગડીયા મારફતે મોકલી આપો. જેથી નીલેશે નાણાં મોકલવાનો ઈન્કાર કરી અગાઉ આપેલા બે લાખ પેટે માલની ડિલિવરી કરવા જણાવ્યું હતું. સમીરે ફરી ફોન કરી નીલેશને બાટલીમાં ઉતારી સુરેન્દ્રનગર બોલાવ્યો હતો. નીલેશ તે જ રાત્રે તેના ભાઈ દર્પણ અને મિત્ર કિશોર સાથે ટ્રેનમાં બેસી 13.30 લાખની રોકડ સાથે સુરેન્દ્રનગર આવવા રવાના થયો હતો. બીજા દિવસે સમીરે તેમને સુરેન્દ્રનગરના રતનપર ગામે રામેશ્વર મંદિર પાસે રહેતા મહેમુદ નામના શખ્સ સાથે મળાવ્યા હતા. બાદમાં તેઓ આમીર નામના શખ્સને મળવા ગયા હતા. આમીરે પોતાની ઓળખ ગોલ્ડના વેપારી તરીકે આપી પોતે 1 કિલોથી ઓછા માલનું વેચાણ કરતો જ નથી પણ સમીરની ભલામણથી 500 ગ્રામ માલ આપું છું તેમ કહી ટેબલ પર સોનાના 5 બિસ્કિટ મુક્યા હતા. બિસ્કિટ પર વેલકમ બી નામની કંપનીની બ્રાન્ડ અને સિરિયલ નંબર એમ્બોસ કરેલાં હતા. તમામ બિસ્કિટ અસલી હતા. જેથી નીલેશે 13.30 લાખ રૂપિયા આપી દીધા હતા. પરંતુ, નાણાં મળ્યા બાદ ધુતારાઓ નવી ચાલ રમ્યા હતા. સમીરે નાણાં મશીનમાં ગણવા પડશે, આજકાલ ડુપ્લીકેટ નોટ આવે છે તેમ કહી નાણાં લઈ જતો રહ્યો હતો. થોડીકવાર બાદ નીલેશ મહેમુદ સાથે માલ લેવા જતો હતો તે જ સમયે અચાનક ત્રણ પોલીસ જવાનો ત્યાં આવી ચઢ્યાં હતા. તેમને જોઈ સમીર અને મહેમુદ નાસી ગયાં હતા. પોલીસ જવાનોએ નીલેશને અટકાવી પ્રાથમિક પૂછપરછ કરી જવા દીધા હતા. નીલેશે સમીરને ફોન કરી પૂછતાં તેણે પોતે પોલીસની બીકથી અમદાવાદ આવી ગયો હોવાનું અને અહીં આવી બિસ્કિટ લઈ જવા જણાવ્યું હતું. નીલેશ બિસ્કિટની લ્હાયમાં અમદાવાદ પહોંચ્યો તો સમીરે પોતે આણંદ પહોંચી ગયો હોવાનું જણાવી તેને બીજા દિવસે મુંબઈ આવી માલ આપી જવાનું વચન આપ્યું હતું.

બે જણે છેતર્યાં બાદ ત્રીજા ધુતારાની એન્ટ્રી થઈ

નીલેશ સોદાપેટે બે લાખ જિજ્ઞેશને આપી ચૂક્યો હતો. 13.30 લાખ સુરેન્દ્રનગરના આમીરને આપી ચૂક્યો હતો. બેઉ સોદામાં સમીર સાક્ષી હતો. નીલેશે આમીરને ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કરતાં તેના મોબાઈલ પર કીર્ગિસ્તાન અને એસ્ટોનીયા નામના દેશમાંથી ફોન આવતા હતા પરંતુ વાત થતી નહોતી. છેવટે આમીરે તેનો ફોન ઉપાડી કહ્યું હતું પોલીસ પકડી ગઈ છે. હવે તે માંડવીના હાજી શરીફ સાથે વાત કરી લે. ત્યારબાદ નીલેશને હાજી શરીફ નામના શખ્સનો ફોન આવ્યો હતો. તેણે વળી પોતાની પાસે 2 કિલો સોનુ હોવાનું જણાવી ‘તમારા 15.30 લાખ મારી પાસે જમા છે, બાકીના નાણાં લઈ આવી સોનુ લઈ જાવ’ તેમ જણાવ્યું હતું. જો કે, નીલેશ વાત પામી ગયો હતો કે સસ્તા સોનાના નામે બે જણાં તેને બકરો બનાવી ગયાં છે અને હવે ત્રીજો તેને બકરો બનાવવા જાળ પાથરી રહ્યો છે. નીલેશે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

જૂના જાણીતા ઠગોએ જ નીલેશને ધુતી લીધો

ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચેલા નીલેશની ઠગાઈની કહાણી સાંભળીને પોલીસે તેને કેટલાંક જાણીતા ઠગભગતના ફોટો બતાડતાં નીલેશ તેમને ઓળખી ગયો. ભુજમાં ‘સમીર’ના નામે પહેલીવાર મળેલો શખ્સ હકીકતમાં શબ્બિર અલીમામદ સોઢા નીકળ્યો છે. તો, ભુજનો ઈઝાઝ સિધિક હિંગોરજા ‘જિજ્ઞેશ પટેલ’ બન્યો હતો. માંડવીનો ‘હાજી શરીફ’ જૂનો ઠગ જુસબ ઊર્ફે યુસુફ મૌલાના છે. તો, સુરેન્દ્રનગરમાં મળેલો ‘આમીર’ ભુજનો સિકંદર યુસુફ મૌલાના નીકળ્યો છે. પોલીસ બનેલાં 3 શખ્સો પણ બોગસ હોવાનું અને ગેંગનો જ ભાગ હોવાનું પોલીસ માની રહી છે.
રિપોર્ટ અસઞર માંજોઠી કચ્છ

Translate »
%d bloggers like this: