3 ગામને ટેન્કર દ્વારા પાણી અપાય છેઅછતને પહોંચી વળવા જિલ્લામાં 48 બોરની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

 

ભાવનગર જિલ્લામાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તંત્ર સજ્જ:
કન્ટિન્જન્સી પ્લાન હેઠળ સંભવિત તંગીવાળા ગામોને પાણી પૂરું પાડવા માટે
કુલ રૂ. 616.55 લાખનું આયોજન કરાયું
ભાવનગરની 12 તથા અમરેલીની એક સહિત કુલ 13 જૂથ પાણી પુરવઠા
યોજનાઓ મારફત જિલ્લાનાં 493 ગામ પાણી મેળવે છે
જિલ્લાનાં 165 ગામ લોકલ સોર્સમાંથી પાણી મેળવે છે,
જ્યારે 3 ગામને ટેન્કર દ્વારા પાણી અપાય છે
અછતને પહોંચી વળવા જિલ્લામાં 48 બોરની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ:
જિલ્લાનાં 548 ગામમાં 2497 હેન્ડપંપ કાર્યરત્: પાણી પુરવઠા અધિકારીશ્રી બોદર
શેત્રુંજી ડેમમાં જુલાઈ મહિના સુધી ચાલે તેટલો પાણીનો
જથ્થો છે: સિંચાઈ અધિકારી એસ.જી. પટેલ
ભાવનગર, તા.4


ભાવનગર જિલ્લા અને મહાપાલિકા વિસ્તારનાં વિવિધ ગામો અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ હલ કરવા માટે પાણી પુરવઠા તંત્ર, સિંચાઈ વિભાગ અને મહાપાલિકા વોટર વર્ક્સ વિભાગ દ્વારા અલાયદુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 661 ગામ અને 16 શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાંથી હાલ ભાવનગરની 12 તથા અમરેલી જિલ્લાની એક મળી કુલ 13 ગ્રામ્ય જૂથ પાણી પુરવઠા યોજનાઓ મારફત જિલ્લાનાં 493 ગામોને તેમની જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવે છે. બાકીના 168 ગામ પૈકી 165 ગામ હાલ પોતાના લોકલ સોર્સમાંથી તેમજ 3 ગામને ટેન્કર મારફત પાણી પહોંચાડવામાં આવે છે.
આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રી બોદરના જણાવ્યા અનુસાર, ભાવનગર જિલ્લાના 16 શહેરી વિસ્તારો (ભાવનગર અને પાલિતાણા સિવાય)ને નર્મદા નેટવર્ક પાઇપલાઇનમાંથી જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે છે. જ્યારે પાલિતાણા શહેર શેત્રુંજી ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મેળવે છે તેમજ ભાવનગર શહેરને શેત્રુંજી ડેમ ઉપરાંત નર્મદા નેટવર્ક પાઇપલાઇનમાંથી જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે છે.
ભાવનગર જિલ્લામાં આગામી ઉનાળાની પરિસ્થિતિ તથા સંભવિત પાણી તંગીને ધ્યાને લઈ કન્ટિન્જન્સી માસ્ટર પ્લાન બનાવાયો છે. જે મુજબ સંભવિત પાણી તંગીવાળા કુલ 123 ગામમાં 8/6 ઇંચના બોર હેન્ડપંપ તથા ટેન્કર મારફત પાણી પહોંચાડવા માટે કુલ રૂ. 616.55 લાખનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જિલ્લાના જે ત્રણ ગામને ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે, તેમાં ભાવનગર તાલુકાના ભડભડિયા, તળાજાના મીઠી વીરડી તેમજ શિહોરના ટોડાનો સમાવેશ થાય છે.
પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ભાવનગર શહેર, પાલિતાણા શહેર તથા ગારીયાધાર અને પાલિતાણા તાલુકાનાં 86 ગામ માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખાયો છે. આ જથ્થો આગામી જુલાઈ-2019 સુધી ચાલે તેટલો છે. આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીશ્રી એસ.જી. પટેલના જણાવ્યા અનુસાર, જિલ્લાના શેત્રુંજી ડેમમાં 11 ફૂટના જળસ્તરે હાલ 37.48 એમસીએમ જેટલો પીવાના પાણીનો જથ્થો છે, આ ઉપરાંત, વધારાનું 300 એમસીએફટી પાણી ડેડ સ્ટોરેજ તરીકે અલાયદુ રાખવામાં આવેલ છે. આ ડેમમાંથી ગારીયાધાર, પાલિતાણા અને ભાવનગરના 87 ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, મહુવા તાલુકાના રોજકી ડેમમાં 17 ગામ માટે વાર્ષિક 50 એમસીએફટી પાણી અનામત રાખ્યું છે. રોજકી ડેમમાં હાલ 8 ફૂટના જળસ્તરે 0.4908 એમસીએમ પાણીનો જથ્થો છે. જેમાંથી કુલ 17 ગામને પાણી આપવામા આવે છે.
અછત પાણી તંગી અન્વયે જિલ્લા અછત પાણી સમિતિ દ્વારા કુલ 73 ગામ માટે બોર મંજૂર કરવામાં આવ્યા છે. જેમાંથી સફળ થયેલા 48 બોર પૈકી 44 ગામોમાં મશીનરી ફાળવી આપેલ છે. જ્યારે 4 ગામમાં કામગીરી કરવાની રહે છે. જિલ્લાના 548 ગામમાં હાલ કુલ 2497 હેન્ડ પંપ કાર્યરત્ છે.
જિલ્લાની અછત પાણી સમિતિની બેઠક દર સોમવારે યોજાય છે. જેમાં ગામોની સમીક્ષા કરી, આવેલી દરખાસ્તોનો જરૂરિયાત મુજબ મંજૂરી આપીને નિકાલ કરવામાં આવે છે. રાજ્યમાં જાહેર કરવામાં આવેલા 51 અછતગ્રસ્ત તાલુકામાં ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનો સમાવેશ થાય છે. જે માટે કન્ટિન્જન્સી માસ્ટર પ્લાનમાં રૂ.96.50 લાખનું આયોજન કરવામાં આવેલ છે.

ભાવનગર મહાપાલિકાના નાગરિકોને ઑગસ્ટ મહિના સુધી પાણી મળી રહે તેવું આયોજન કરાયું છે: વોટર વર્ક્સ ઇજનેર દેવમુરારી
ભાવનગર, તા.4
ભાવનગર મહાપાલિકા વોટર વર્ક્સ વિભાગના ઇજનેરશ્રી દેવમુરારીના જણાવ્યા અનુસાર, મહાપાલિકા વિસ્તારને 8 ઝોન હેઠળ 225 સબઝોનમાં વહેંચી 92 ટકા શહેરી વિસ્તારને પાણી વિતરણ હેઠળ આવરી લેવાયો છે. જે અંતર્ગત અઠવાડિયામાં 6 દિવસ પાણી વિતરણ કરવામાં આવે છે. શહેરી હદવિસ્તાર વધતા મહાપાલિકામાં ઉમેરાયેલા નવાં ગામો- રુવા, અકવાડા, તરસમિયા, સિદસર, નારને વર્ષ 2015થી મહાપાલિકાના મેઇનલાઇનના નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે. જ્યારે શહેરના ઊંચાણવાળા અને છેવાડાના અમુક વિસ્તારો, કે જ્યાં વોટર વર્ક્સ નેટવર્ક મારફત પાણી પુરવઠો ઓછો મળતો હોય, તેવા સ્થળોએ 7 વાહનો મારફત દૈનિક સરેરાશ 55 ટેન્કર ફેરા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તાર માટે શેત્રુંજી ડેમમાંથી 90 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. જ્યારે બોરતળાવમાં પાણીનો પુરવઠો બંધ થતાં હાલ નર્મદાની પાઇપલાઇનમાંથી અગાઉ મળતાં 35 એમએલડી પાણીના જથ્થામાં વધારો કરીને તા.2/5/19થી આ જથ્થો દૈનિક 50 એમએલડી કરવામાં આવ્યો છે. આ સિવાય વધારાની જરૂરિયાત માટે મહાપાલિકા વિસ્તારમાં આશરે 450 જેટલા હેન્ડ પમ્પ પણ છે.
દરમિયાન, બે દિવસ પહેલાં નારી વિસ્તારમાં હવાડાની મોટર બગડી જતાં મહાપાલિકા દ્વારા નવી મોટર લગાવી, પાણીનો જથ્થો પુન: કાર્યરત્ કરાયાનું શ્રી દેવમુરારીએ જણાવી ઉમેર્યું હતું કે, હાલ વોટર વર્ક્સ વિભાગ દ્વારા કરાયેલા આગોતરા આયોજન મુજબ હાલની સ્થિતિએ મહાપાલિકા હેઠળના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઑગસ્ટ-2019 સુધી પીવાનું પાણી મળી રહે તે પ્રકારનું આયોજન છે.

Translate »
%d bloggers like this: