શહેરા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનું અનુદાન

શહેરા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનું અનુદાન
– પરેડ નિરિક્ષણ
– રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો
– સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારનું સન્માન
– તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓનું સન્માન
– નાગરિકોએ ઉમળકાભેર પર્વની ઉજવણી કરી
– વૃક્ષારોપણ

ગોધરા, ગુરૂવારઃ પંચમહાલ જિલ્લામાં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. શહેરા ખાતે જિલ્લા કક્ષાના આયોજિત કાર્યક્રમમાં ગ્રામ, ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેમણે પોલિસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમમાં પ્રજાજોગ સંદેશો આપતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે આઝાદીને સૌના સહિયારા સાથથી વિકાસને નવા સીમાચિન્હ ઉપર પહોંચાડવા માટે સંકલ્પબધ્ધ બનીએ. આજના સ્વાતંત્ર્ય દિનના ગૌરવપૂર્ણ દિવસે ગુજરાત સહિત આખા દેશને અદભુત આનંદની અનુભૂતિ એટલા માટે થઈ રહી છે કે ગુજરાતના ચાર સપૂતોએ દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા મહાત્મા ગાંધીજીએ દેશને આઝાદી અપાવી. સરદાર સાહેબે ૫૬૨ જેટલા દેશી રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું, અને આજે ગુજરાતના બીજા બે સપૂતો લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સાત-સાત દાયકાથી સળગતા કાશ્મીર પ્રશ્નને ૩૭૦મી કલમ રદ કરીને એક ઝાટકે હલ કર્યો છે. આપણા સૌનું સદભાગ્ય છે કે આપણે સૌ આ ઘટનાના સાક્ષી બની શક્યા છીએ. આજનું ૭૩મું સ્વાતંત્ર્ય પર્વ આ ઐતિહાસિક ઘટના સાથે ગૌરવપૂર્ણ બની ગયું છે.


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નિર્ણાયક નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસનો નવતર પથ કંડાર્યો છે તેમ જણાવતાં મંત્રી શ્રી બચુભાઈ ખાબડે કહ્યું હતું કે ત્રણ વર્ષમાં વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે ૬૦૦ જેટલા જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે. દરેક નિર્ણયના કેન્દ્રમાં લોકો અને નિર્ણયોનું અમલીકરણ કરવા માટે ગુજરાતમાં ફાસ્ટ ટ્રેકની અનુભૂતિ થઈ રહી છે. ખેડૂતોની આ સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અન્વયે ૨૯ લાખ જેટલા ખેડૂતોને બે હપ્તામાં રૂા.૧૧૩૫ કરોડ આપ્યા છે. રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવાનો આ સરકારે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. આ માટે રૂા.૫૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે.
નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત સરકારે કડક કાયદાઓ અમલમાં મૂક્યા છે.

નાની બાળકી સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. એક મહિનાના ગાળામાં ચાર્જશીટ અને ટ્રાયલ પૂર્ણ કરવાનો કાયદો આ સરકારે અમલમાં મૂક્યો છે. યુવાનોને નશાખોરીથી બચાવવા હુક્કાબાર અને ઈ-સિગારેટ પર પ્રતિબંધના કાયદાનું કડક અમલીકરણ કર્યું છે, અને દારૂબંધીના કાયદાને વધુ ચુસ્ત-દુરસ્ત કરવામાં આવ્યો છે. જળસંચય, જળ સંવર્ધન અને જળ વિતરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરુ પાડ્યું છે. સૌની યોજના દ્વારા રાજ્યના ૧૧૫ ડેમમાં નર્મદાનાં નીર પહોંચ્યા છે. સુજલામ સુફલામ જળ અભિયાનથી ૨૪,૫૦૦ લાખ ઘનફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતાનો વધારો થયો છે. રાજ્યમાં ૮ ડિસેલીનેશ પ્લાન્ટ ઊભા કરીને દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવા ગુજરાત સુસજ્જ બન્યું છે. પંચમહાલ જિલ્લામાં લોકભાગીદારીથી લોકવ્યવસ્થાપિત જળ વ્યવસ્થા અંતર્ગત સ્વજલધારા કાર્યક્રમ વર્ષ ૨૦૦૩-૦૪થી શરૂ કરવામાં આવ્યો છે. હવે સરકારશ્રીએ આ યોજનાનું નામ રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ રાખ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૪૫૭ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં ૧,૪૫,૭૭૬ ઘરોને પીવાના પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે.


બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવા આગામી ત્રણ વર્ષમાં છ લાખ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવીને ૧૫૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલાં લીધા છે તેમ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું.
સરકારી શાળાના બાળકોને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા ઈ-ક્લાસથી શિક્ષણની વ્યવસ્થા ગુજરાતમાં શરૂ થઈ છે.

૧૫,૦૦૦થી વધુ ક્લાસરૂમ્સને વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે. છ લાખ યુવાનોને નમો ટેબલેટ આપીને તેમની આંગળીના ટેરવે સમસ્ત દુનિયા આ સરકારે મૂકી દીધી છે. લર્નિંગ વિથ અર્નિંગના કોન્સેપ્ટ સાથે ૭૫,૦૦૦ જેટલા યુવાનોને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ૭૫૦થી વધુ કૌશલ્યનિર્માણ કેન્દ્રો ઉભા કરી યુવાનોના કૌશલ્ય નિર્માણ ક્ષેત્રે ગુજરાતે મક્કમ પગલાં લીધા છે. રોજગાર મેળાઓના માધ્યમથી ૧૧ લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે, અને ૧.૧૮ લાખ યુવાનોની સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવી છે.


દિકરીઓના જન્મ દરમાં વધારો કરવાના લક્ષ્ય સાથે વ્હાલી દિકરી યોજનાનો ગુજરાત સરકારે પ્રારંભ કર્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે મહિલા સશક્તિકરણ માટે સરકાર કૃત નિશ્ચયી છે. વિધવા પેન્શનની રકમ આ સરકારે વધારીને રૂા.૧૨૫૦ કરી છે. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત કરવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા એપનો ઉપયોગ આપણે અસરકારક અમલ કરીને મહિલા સુરક્ષાને વધુ મજબુત બનાવી છે. ૨૭૦ નારી અદાલતો દ્વારા ફાસ્ટટ્રેક ડિસિઝન લેવામાં આવ્યા છે. મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાની આવક મર્યાદા વધારીને ૪ લાખ કરવામાં આવી છે. જેના પરિણામે હવે ૬૦ લાખ જેટલા પરિવારોને જીવલેણ રોગોમાં ઓપરેશન કે સારવાર માટે કોઈની સામે હાથ ફેલાવો નહીં પડે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું.


પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે શહેરી ગરીબોને પાંચ લાખ જેટલા આવાસ અપાયા છે. ગુજરાત સરકારે રાજ્યમાં કોઈ વ્યક્તિ આવાસ વિના ન રહે તે માટે બજેટમાં મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ સુધીમાં સૌને આવાસ આપવા માટે ૨.૪૦ લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેની સામે અત્યાર સુધી રૂા.૨૧૦૫ કરોડના ખર્ચે ૧ લાખ ૮૫ હજાર આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ વર્ષે ૧ લાખ ૭ હજાર નવા આવાસો બાંધવામાં આવશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં રૂા.૧૨૦૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ગ્રામ વિકાસના કુલ ૧,૯૮,૮૨૮ કામો પ્રગતિ હેઠળ છે, જ્યારે ૧,૩૯,૭૨૭ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.


મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિમાં ગાયનું આગવું સ્થાન રહેલું છે તેમ જણાવતા કહ્યું હતું કે ભારતીય પ્રાચીન અર્થવ્યવસ્થા ગાય આધારિત હતી. રાજ્ય સરકારે ચાલુ અંદાજપત્રમાં ગોપાલન, ગૌસંવર્ધન, ગૌરક્ષણ, ગૌચર વિકાસ તેમજ રાજ્યની સુપ્રસિદ્ધ ગીર અને કાંકરેજી ઓલાદની ગાયોના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૩૮ કરોડ ફાળવ્યા છે. પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે પશુ સારવાર સંસ્થાઓ મારફતે ૧,૩૩,૧૨૭ પશુઓને સારવાર આપવામાં આવી હતી, તેમજ વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ માટે સંસ્થાઓ દ્વારા ૧૯,૦૪,૧૨૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષમાં વિવિધ ડેરી વિકાસ સહાય યોજનાઓ હેઠળ કુલ રૂા.૧,૧૬,૭૦,૦૦૦/-ની સંભવિત સહાય ચૂકવવાનું આયોજન છે.


સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં મંત્રીશ્રી બચુભાઈ ખાબડે પંચમહાલ જિલ્લાના સ્વાતંત્ર્યવીરોના પરિવારને શાલ ઓઢાડીને સન્માન્યા હતા. આ પ્રસંગે શહેરા તાલુકાના વિકાસ અર્થે રાજ્ય સરકાર તરફથી રૂા.૨૫ લાખનો ચેક મંત્રીશ્રી બચુભાઈ ખાબડે જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલને અર્પણ કર્યો હતો. ત્યારબાદ સરકારની ઉત્કૃષ્ઠ સેવા બદલ સેવારત અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસકૃતિક કાર્યક્રમ રજૂ થયેલી ૯ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓના જૂથને રૂા.૧૧૦૦/- લેખે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. તેમજ મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.


શહેરા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, શહેરાના ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, નાયબ વન સંરક્ષક શ્રી જી.એસ.સિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મહેન્દ્ર નલવાયા, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) શ્રી વાય.ડી.પરમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી એસ.કે.રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌધરી, શહેરા નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.


અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: