ગામના સરપંચ સામે બે અલગ અલગ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોવા અંગેની ફરિયાદ

ગામના સરપંચ સામે બે અલગ અલગ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોવા અંગેની ફરિયાદ

સુરત પાસોદરાના સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરનાર જોખાં ગામના સરપંચ સામે બે અલગ અલગ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોવા અંગેની ફરિયાદ ચૂંટણી કમિશ્નરને કરતાં ફરી એક વખત જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. પાસોદરા ગામના સરપંચના પતિએ જ ફરિયાદ કરતાં જિલ્લા ભાજપમાં ચાલતો મોટો વિખવાદ સામે આવી ગયો છે.


કામરેજ તાલુકો સુરત જિલ્લા ભાજપા માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. કામરેજના સરપંચ મનીષ આહિરથી શરૂ થયેલો ભાજપનો આંતરિક વિખવાદ સમવાનું નામ જ લેતો નથી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રીતિ પટેલને હટાવવા માટે ભાજપનું જ એક જુથ મેદાનમાં છે તો પ્રીતિબેન પટેલ સમર્થિત જુથ વિરોધી જુથને પાડવા માટે અનેક કાવાદાવા અપનાવી રહ્યું છે

કામરેજના સરપંચ મનીષ આહીરને પાડવા માટે શરૂ થયેલા પ્રયાસો બાદથી જિલ્લા ભાજપમાં વિવાદ વકર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિ પટેલના પતિ દ્વારા મનીષ આહિરને ધમકી આપવાની સાથે સરપંચ પદેથી દૂર કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતીપરંતુ મનીષ આહિર આ મામલે સ્ટે લઈ આવ્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિ પટેલને દૂર કરવા જિલ્લા પંચાયતના જ કેટલાક સભ્યો દ્વારા ખેલ શરૂ થયા હતા અને આ માટે ગાંધીનગર સુધી રજૂઆત થઈ હતી. એક બીજાને પાડી દેવાના ચક્કરમાં હવે આ મામલો ગામના ભાજપ સમર્થિત સરપંચો સુધી પહોંચી ગયો છે.

 

 

જોખાં ગામના સરપંચ અને કામરેજ તાલુકા ભાજપના મહામંત્રી હિતેન્દ્ર જોશીએ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રીતિ પટેલના ગામની સરપંચ અનીતા રાજેન્દ્ર વસાણીનો તમામ વહીવટ તેમના પતિ જ કરતાં હોય અને સહી પણ પતિની જ થતી હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારી પાસોદરા સરપંચને ગેરલાયક કેમ ન ઠરાવવા તે મુજબનો ખુલાસો પૂછ્યો છે. આ વિવાદ સમે તે પહેલા જ પાસોદરા સરપંચના પતિ રાજેન્દ્ર વસાણીએ પત્ની વિરુદ્ધ ફરિયાદ કરનાર હિતેન્દ્ર જોશી સામે ઝંપલાવ્યું છે.

રાજેન્દ્રએ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ્દ કરી છે કે હિતેન્દ્ર જોશીનું કામરેજના જોખાં ગામના રાજપૂત ફળિયા ઉપરાંત કામરેજ ગામે આવેલ કુમકુમ એપાર્ટમેંટ એમ બે સરનામે અલગ અલગ મતદાર યાદીમાં નામ ચાલુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક બીજાને પાડવાની લ્હાયમાં જિલ્લા ભાજપને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઇ રહી છે.

રિપોર્ટર રીન્કુ જોષી સુરત

Translate »
%d bloggers like this: