*દક્ષિણ ગુજરાતના વ્યારા, વઘઈ, સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ,ડાંગમાં સ્કૂલના પતરા ઉડ્યાં*

દક્ષિણ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારીના આસપાસના વિસ્તારો સહિત વલસાડના અમુક વિસ્તારો સાથે ડાંગ અને સાપુતારામાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અને વાવાઝોડાની આગાહીના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ડાંગના ગાઢવી ગામમાં શાળાના પતરા ઉડતાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં.

મંગળવાર મોડી સાંજેથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાયુ વાવાઝોડાની અસર જાણે તાપી જિલ્લામાં પણ જોવા મળી હતી. તાપીના વાતાવરણમાં પલટો આવતા અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવનએ માઝા મૂકી હતી. આવુ જ એક દ્રશ્ય તાપી જિલ્લાના ડોલવણ ચાર રસ્તા નજીક જોવા મળ્યું હતું. જ્યાં ભારે પવનને કારણે સહકારી મંડળીના પતરા ઉડી ગયા હતા અને ભારે પવન જોવા મળ્યો હતો. અનેકો વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરતા લોકોએ ગરમીથી થોડે અંશે રાહત પણ મેળવી હતી

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા સહિત પૂર્વપટ્ટી પંથકોમાં મંગળવારે તોફાની વાવાઝોડાની સાથે થોડાક સમય માટે મધ્યમ સ્વરૂપનો વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું, જેમાં તોફાની વાવાઝોડાએ ગાઢવી પ્રા.શાળા ઉપર કહેર વર્તાવતા પતરા ઉડીને ધરાશાયી થઈ જતા જંગી નુકસાન થયાની માહિતી સાંપડી છે.

Translate »
%d bloggers like this: