જે પ્રજા પોતાના સંસ્કૃતિ ઇતિહાસ અને શહીદવીરોને ભૂલી જાય છે તેઓનું અસ્તિત્વ ઇતિહાસના પાના પરથી ભૂંસાઇ

જે પ્રજા પોતાના સંસ્કૃતિ ઇતિહાસ અને શહીદવીરોને ભૂલી જાય છે તેઓનું અસ્તિત્વ ઇતિહાસના પાના પરથી ભૂંસાઇ જાય છે
-રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત

ગુજરાત રાજય આઝાદી દિનને પ્રેરણા દિન તરીકે ઉજવશે :
સમગ્ર રાજયમાં રાસાયણિક ખાતરમુકત પ્રાકૃતિક ખેતી માટે અભિયાન ચલાવે

ગુજરાતમાં એટ હોમ કાર્યક્રમની અનોખી ઉજવણી :
રાષ્ટ્રવીરોને શ્રધ્ધાંજલિ અને રાષ્ટ્ર ભાવનાને પ્રાધાન્ય

છોટાઉદેપુર : તા.૧૪મી ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંખ્યાએ છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદી દિનનું આ પર્વ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સર્વસ્વ ન્યૌછાવર કરનાર વીર શહિદોને શ્રધ્ધાંજલિ અર્પવાનું, તેમનું સ્મરણ કરવાનું પર્વ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જે પ્રજા પોતાના સંસ્કૃતિ, ઇતિહાસ અને શહીદવીરોને ભૂલી જાય છે તે દેશ કે પ્રજાનું અસ્તિત્વ ઇતિહાસના પાના પરથી ભૂંસાઇ જાય છે.
ગુજરાત સરકાર દ્વારા જિલ્લા મથકે રાજય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના નિર્ણયની પ્રશંસા કરતાં રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે એટ હોમ કાર્યક્રમ એ અંગ્રેજોની પરંપરા છે. આ પરંપરાથી ઉપર ઉઠીને ગુજરાતનો એટ હોમ કાર્યક્રમ રાષ્ટ્ર વીરોને શ્રધ્ધાંજલિ અને રાષ્ટ્ર ભાવના સુદ્રઢ કરવાનો પ્રસંગ બની રહે તે પ્રકારે જે ફેરફાર કરવામાં આવ્યો છે, તે અભિનંદનીય છે.

રાજયપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય વીરો-ક્રાંતિ વીરોના બલિદાનના કારણે દેશને આઝાદી મળી છે. આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને આપણે પોતાની સરકાર રચી શકયા. ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના અથાગ પ્રયાસથી સ્વતંત્ર અને એક- અખંડ ભારતનું સ્વપ્નુ આપણે સાકાર કરી શકયા છીએ. જેમાં વડાપ્રધાન અને ગુજરાતની ધરતીના સપૂત શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩૭૦મી કલમ નાબૂદ કરીને જે થોડી ઘણી કમી હતી તે દૂર કરી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતિ જેવા મહાપુરૂષોએ ભારતવર્ષની આદ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા સુદ્રઢ કરી છે.
રાજયપાલશ્રીએ ૭૩માં આઝાદી દિનને પ્રેરણાદિન તરીકે ઉજવવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે આજે હવા, પાણી, ખોરાક થી માંડીને નાગરિકોના સ્વાસ્થ્ય બગડી રહયા છે તેનું કારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ છે. જેનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતના ખેડૂતો સમગ્ર રાષ્ટ્રને નવી દિશાનું દર્શન કરાવશે અને પ્રેરણા આપશે.
રાજયપાલશ્રીએ આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજયપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક ખેતી ઉપરાંત બેટી બચાવો, બેટી પઢાવો, જળસંચય, પર્યાવરણ રક્ષા, વ્યસનમુકિત જેવા જન અભિયાનોનો ઉલ્લેખ કરી ગુજરાત રાજય પણ આ ક્ષેત્રે શ્રેષ્ઠ સ્તરે પહોંચે તેવી શુભકામના પણ પાઠવી હતી.
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત સરકાર દ્વારા આઝાદી દિનની ઉજવણીને ખરા અર્થમાં વિકાસ ઉત્સવ બનાવવાની પહેલને લોક કલ્યાણની દિશામાં શ્રેષ્ઠ કદમ અને સૌનો સાથ.. સૌનો વિકાસ…ના સંકલ્પને સાકાર કરનારૂં કાર્ય ગણાવ્યું હતું. તેમણે છોટાઉદેપુર જિલ્લાની વિકાસ ગાથાની નોંધ લઇ વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા આ વિસ્તારના આદિવાસી ખેડૂતો અગ્રેસર બને તેવો અનુરોધ કરી, નાગરિકોને આઝાદી દિનની શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મહિલા પોલીસ બેન્ડની ટુકડીએ રાષ્ટ્રગીતની શોર્ટ નોટસ દ્વારા સલામી આપી રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. જયારે બંકિમ પાઠક અને સાથીદારોના સંગીતવૃંદે દેશભકિતના ગીતોની સુરાવલી દ્વારા વાતાવરણને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું.


આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબહેન રાઠવા, રાજયસભાના સાંસદ શ્રી નારણભાઇ રાઠવા, ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવા, પૂર્વ સાંસદ શ્રી રામસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના પદાધિકારીઓ, નગરપાલિકા પદાધિકારીઓ, જિલ્લાના અગ્રણીઓ, છોટાઉદેપુર રાજવી પરિવારના સદસ્યો, મુખ્ય સચિવ ર્ડા. જે.એન.સિંઘ, રાજયના પોલીસ વડા સહિત પ્રશાસન અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રી સુજલ મયાત્રા તથા ટીમ છોટાઉદેપુરના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ડિત નાગરિકો ઉપસ્થિત રહયા હતા અને રાજયપાલશ્રીનું અભિવાદન કર્યું હતું.

Translate »
%d bloggers like this: