*અમદાવાદ / 7 બેઠકની સ્કૂલવાનમાં 22 બાળકો હતાં, 80ની સ્પીડે દોડતી વાનમાંથી 3 બાળકો પડ્યાં, 1 ગંભીર*

*એક વાન બગડી તો બાળકોને લેવા માલિકે પરમિટ વિનાની વાન મોકલી*
*પંચામૃત સ્કૂલના વિદ્યાર્થીઓ હતા, ડ્રાઇવર અને વાનમાલિક સામે ફરિયાદ*
*વિદ્યાર્થીઓ સ્કૂલેથી નીકળ્યા ત્યારે જ 22ને ખીચોખીચ બેસાડાયા હતા*
*ડ્રાઈવરે વાન ધીમે ચલાવવાની ના પાડી અને કહ્યું- ગીચ લાગતું હોય તો તમારો દરવાજો ખુલ્લો કરી દો: ફર્સ્ટ પર્સન*

અમદાવાદ: નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલમાં સવારની પાળીના 22 વિદ્યાર્થીને લઈને જતી વાન બગડતા અડધા રસ્તેથી અન્ય એક ઇકો ગાડીમાં 22 વિદ્યાર્થીને ટ્રાન્સફર કરીને ખીચોખીચ બેસાડી લઈ જવાતા હતા. એ દરમિયાન ઇકોની વધારે સ્પીડને કારણે ડાબી સાઇડનો દરવાજો ખૂલી જતા એક વળાંક પર ત્રણ વિદ્યાર્થી નીચે પડી જતાં તેમને નાનીમોટી ઈજા થઈ હતી. આ અંગે વિદ્યાર્થિનીએ જ વાહન ડ્રાઇવર કાળુ દેસાઈ અને માલિક પ્રવીણ જયસ્વાલ વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાબતે DivyaBhaskarએ પંચામૃત સ્કૂલનો સંપર્ક કરતા પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ મીટિંગમાં હોવાનું જણાવ્યું હતું.

*સ્કૂલ વાન ડ્રાઈવર-માલિક ફરાર*
નિકોલની પંચામૃત સ્કૂલમાં ત્રણ વર્ષથી સ્કૂલ વાનનું સંચાલન કરતા પ્રવીણ જયસ્વાલે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે કાળુભાઈ દેસાઈને ડ્રાઇવર તરીકે નોકરીએ રાખ્યા હતા. સોમવારે શાળા છૂટ્યા બાદ કાળુભાઈ વિદ્યાર્થીઓને વાનમાં બેસાડી જઈ રહ્યા હતા ત્યારે ખોડિયાર માતાના મંદિર પાસે સ્કૂલ વાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વાન બંધ પડી ગઈ હતી. કાળુભાઈએ આ અંગે તેમના માલિક પ્રવીણભાઈને જાણ કરી હતી. આથી તેમણે એક ઇકો ગાડી વિદ્યાર્થીઓને તેમના ઘર સુધી મૂકવા માટે મોકલી આપી હતી. કાળુભાઈ ઇકો લઈ નિકોલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇશ્વર બંગલો વળાંક પર વળતા વધારે પડતી સ્પીડને કારણે ધક્કો વાગતા વાનનો ડાબી સાઇડનો દરવાજો ખૂલી ગયો હતો, જેથી વાનમાં બેઠેલા ત્રણ વિદ્યાર્થી નીચે પટકાયા હતા. તેમાં 11 કોમર્સમાં અભ્યાસ કરતી કીર્તિ કલ્પેશભાઈ ઠાકોર (સુંદરવન સોસાયટી, નિકોલ) અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીને પડી જવાને કારણે ઇજા પહોંચી હતી. સ્કૂલ વાન ડ્રાઇવર અને માલિક બંને ફરાર છે. જ્યારે ઇકોને જપ્ત કરાઈ છે. તેની પાસે સ્કૂલ વાન અંગે કોઈ પરમિટ નથી.

*ડ્રાઈવરે વાન ધીમે ચલાવવાની ના પાડી અને કહ્યું- ગીચ લાગતું હોય તો તમારો દરવાજો ખુલ્લો કરી દો- કીર્તિ ઠાકોર*
આજે બપોરે 12-30 વાગ્યે સ્કૂલ છૂટતા અમે અમારી નિયત વાન પર પહોંચ્યા હતા. દરરોજ અમારી વાનમાં 22 બાળકોની આવન જાવન થતી રહે છે. વાન ચલાવતા અંકલે કહ્યું કે વાન બગડેલી છે અને જ્યાં સુધી પહોંચાડશે ત્યાં સુધી વાનમાં જઇશું. જો કે અમે બધા વિદ્યાર્થીઓ વાનમાં બેસી ગયા હતા. દરમિયાન નિકોલ ખોડિયાર મંદિર પાસે પહોંચ્યા ત્યારે વાન વધારે ખરાબ થતાં અમને બીજી ઇકોમાં બેસાડ્યા હતા. જો કે ઇકોમાં 22 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી કોઇ સ્થિતિ ન હોવા છતાં અમે ઘેટાંબકરાંની જેમ ખીચોખીચ બેસી ગયા હતી. હું મોટી હોવાથી અંકલે મારા ખોળામાં પણ બે નાના વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. આ પછી ખોડિયાર માતાના મંદિરથી નીકળી ઇશ્વર બંગલોમાં બે વિદ્યાર્થીને ઉતાર્યા. ડ્રાઇવર અંકલ બેફામ ઝડપે ડ્રાઇવિંગ કરતા હોવાથી અમે બધા વિદ્યાર્થીઓ કંઇક અંશે ગભરાઇ ગયા હતા. અંકલને ધીમી સ્પીડમાં ગાડી ચલાવવા વિનંતી કરી હતી. જો કે અંકલ અમારી વાત માન્યા ન હતા. આ અગાઉ પણ દરેક વિદ્યાર્થીઓને-વાલીઓએ પણ ગાડીની સ્પીડ ધીમી રાખવા અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા વારંવાર વિનંતી કરી હતી. પરંતુ વાનચાલકો તો એક જ જવાબ આપતા હતા કે અમે આટલા જ વિદ્યાર્થીઓ બેસાડીશું. અમે માત્ર 20 વિદ્યાર્થીઓ જ નહીં, અમારી પાસે વજનદાર સ્કૂલ બેગો પણ હતી. ધીમે ગાડી ચલાવવાની અંકલે ના પાડી અને કહ્યું હતું કે જો તમને ગીચ લાગતું હોય તો સાઇડનો દરવાજો ખુલ્લો રાખજો. આથી અમે ખુલ્લો કરી દીધો હતો. ત્યારબાદ પણ અંકલે વળાંક પાસે ધીમી ગતિમાં ગાડી ચલાવવા વિનંતી કરી હતી. જો કે અંકલે આ વિનંતી ગણકારી ન હતી અને વળાંક ઉપર ફુલ સ્પીડમાં ટર્ન લીધો ત્યારે ખુલ્લા દરવાજામાંથી ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાઇ પડ્યા હતા. અમે વિદ્યાર્થીઓ મદદ માટે ચીસો પાડી રહ્યાં હતા ત્યારે ડ્રાઇવર અંકલ ગાડી મૂકીને રફુચક્કર થઇ ગયા હતા. ત્યારબાદ મેં તમામ નાના વિદ્યાર્થીના વાલીને ફોન કરી બોલાવ્યા હતા. મને પણ વાગ્યું હતું, બાળકોના વાલીઓ આવી પહોંચ્યાં બાદ 108માં સારવાર કરાવવા હોસ્પિટલ પહોંચી હતી. ’- અકસ્માત થયા સમયે ઇકોમાં બેઠેલી વિદ્યાર્થિની કીર્તિ ઠાકોરે રજૂ કરેલો ચિતાર

Translate »
%d bloggers like this: