
પાલીતાણાના વેપારીએ લીધેલ રકમનું વ્યાજ ન ચૂકવી શકતા પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ, જીલ્લા યુવા ભાજપના મંત્રી સહીત ૨૦ એ રકમની ઉઘરાણી કરી અપહરણ કરી જવાની ધમકી આપતા ફરિયાદ નોધાવા પામી હતી.બનાવના પગલે પાલીતાણા રાજકીય વર્તુળમાં ચકચાર મચી જવા પામી હતી.
બનાવ સંદર્ભે જાણવા મળતી સઘળી વિગતો અનુસાર પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતા અને દાણાપીઠ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી રફીકભાઈ બાવદિનભાઈ ટાંકએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી જણાવ્યું હતું કે પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ નીતિન હીરાભાઈ ચૌહાણ, જીલ્લા યુવા મંત્રી અજય વસંતભાઈ શેઠ,જયેશ સામંતભાઈ જોગરાણા, જગદીશ પી બારોટ, હઠીસિંહ નાનુભાઈ,ઇકબાલ અલારખભાઈ ડેરૈયા,જીલુ પરમાર, જયપાલ પ્રકાશભાઈ મહારાજ,વીરભદ્રસિંહ દિગુભા સરવૈયા, પીયુષ સી ગાંધી, જીવરાજ વિઠલભાઈ મકવાણા, અશોક વશરામભાઇ યાદવ, નસીમબેન ,રીટાબેન પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને તે રકમનો વ્યાજનો હપ્તો નિયમિત ભરતા હતા પરંતુ તેઓને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલ રૂપિયાનું વ્યાજ ન ચૂકવી શકતા અવાર-નવાર રૂપિયાની ઉઘરાણી કરી અપશબ્દો કહી રૂપિયા ન આપે તો અપહરણ કરી જવાની ધમકી આપી હતી જ્યારે ઇકબાલ ડેરૈયાના માણસો મહમંદ,ગલ્લો, સલીમબેનનો દીકરો અને અમીમબેનએ રૂપિયા આપી દેવા ધાક ધમકી આપી હતી બનાવ અનુસંધાને પાલીતાણા ટાઉન પોલીસે તમામ સામે આઈ.પી.સી. કલમ ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો દાખલ કરી કાનૂની તજવીજ હાથ ધરી હતી ભાજપ શહેર પ્રમુખ અને જીલ્લા યુવા મંત્રી વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોધાતા પાલીતાણા ભાજપમાં ભારે ચકચાર મચી જવા પામી છે..
તસ્વીર વિશાલ સાગઠીયા પાલિતાણ