You are here
Home > Breaking News > વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ANM-ફીલ્ડ વર્કર બહેનો સાથે વિડીયો કોન્ફરન્સીંગથી કરેલો સીધો સંવાદ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ANM-ફીલ્ડ વર્કર બહેનો સાથે વિડીયો કોન્ફરન્સીંગથી કરેલો સીધો સંવાદ

“હર ઘર પોષણ ત્યૌહાર” અભિયાન સંદર્ભે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના એકમાત્ર નર્મદા જિલ્લાની આંગણવાડી-આશાવર્કર અને ANM-ફીલ્ડ વર્કર બહેનો સાથે વિડીયો કોન્ફરન્સીંગથી કરેલો સીધો સંવાદ
જિલ્લામાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નિર્માણ પામી રહેલી પ્રતિમા સંદર્ભે નર્મદા જિલ્લાના
પ્રત્યેક દિકરા-દિકરી લોહશક્તિથી ભરપૂર હોય તે દિશાના સઘન પ્રયાસો માટે પ્રધાનમંત્રીશ્રીનું આહવાન
કાઉન્સેલીંગ સાથે ૪૫ ટકાથી વધીને ૮૭ ટકા સુધી પહોંચેલ મિઝલ્સ-રૂબેલા રસીકરણમાં ૧૦૦ ટકા
લક્ષ્યાંક સિધ્ધિનાં પ્રયાસો માટે વડાપ્રધાનશ્રી સમક્ષ દ્રઢ નિર્ધાર વ્યક્ત કરતો નર્મદા જિલ્લો
નર્મદા જિલ્લા ઉપરાંત દેશના જુદા જુદા રાજ્યોનાં સંબંધિત જિલ્લાઓ સાથે પણ પ્રધાનમંત્રીશ્રીએ કર્યો સીધો સંવાદ
રાજપીપલા: 
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે “હર ઘર પોષણ ત્યૌહાર” સંદર્ભે દેશભરના વિવિધ રાજ્યોના જુદા જુદા જિલ્લાઓમાં કાર્યરત આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કર બહેનો અને A.N.M.(FHW ફિલ્ડ હેલ્થ વર્કર) બહેનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે તે વિસ્તારમાં થઇ રહેલી કામગીરી સંદર્ભે પ્રતિભાવો મેળવવાના યોજેલા આજના આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં એક માત્ર નર્મદા જિલ્લાની બહેનો સાથે આ અંગે સીધો સંવાદ કરીને જિલ્લામાં આ બહેનો દ્વારા થઇ રહેલી આરોગ્યલક્ષી-પોષણલક્ષી ક્ષેત્રિય કામગીરી અંગેની જાણકારી સાથે મોબાઇલ એપ્લીકેશન ઉપયોગના પ્રતિભાવો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
        નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, આરોગ્ય-પોષણને લગતા સંબંધિત અધિકારીશ્રીઓ અને જિલ્લાની આંગણવાડી વર્કર બહેનો, આશાવર્કર બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સમાં નરખડી ગામમાં છેલ્લા ૬ વર્ષથી આશાવર્કર તરીકે સેવા આપતા સુશ્રી શીતલબેન માછીએ વડાપ્રધાનશ્રી સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આ જિલ્લામાં દર શનિવારે યોજાતી બેઠકમાં સેટકોમના માધ્યમથી થતો કાર્યક્રમ અમે સૌ એક સાથે નિહાળીએ છીએ, જેમાં મળતી જાણકારી અમારી ક્ષેત્રિય કામગીરીમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. જેમ કે એનીમિયા, કુપોષણ નિવારણ, મિઝલ્સ-રૂબેલા રસીકરણ વગેરે અંગે પણ ખૂબ જ ઉપયોગી જાણકારી મળી રહે છે. કેટલીક વખત ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પણ અમારા કેન્દ્રોમાં આવીને ઉક્ત બાબતે જે જ્ઞાન પીરસે છે તે સંદર્ભે બાળકના જન્મ બાદ તરત જ બે મિનીટમાં સ્તનપાનનું મહત્વ સમજાવાય છે. એટલે માતાનું ધાવણ એ બાળકના પ્રથમ રસીકરણ સમાન બની રહે છે. આ વિસ્તારમાં એનિમીયાની ગંભીર પરિસ્થિતિ સંદર્ભે સરગવાના પાનમાંથી ઢેબરા-મૂઠિયા બનાવવાથી તેમજ લોખંડની કઢાઇમાં દાળ-શાક બનાવવાથી ભરપૂર આયર્ન મળતું હોવાને લીધે તે પ્રકારે આ જિલ્લામાં પોષણ આહાર અપાય છે. મિઝલ્સ-રૂબેલાની રસીકરણ અભિયાનમાં શરૂઆતમાં થયેલી ૪૫ ટકા કામગીરી હવે કાઉન્સેલીંગ બાદ ૮૭ ટકા સુધી પહોંચી છે અને તે ૧૦૦ ટકા પૂર્ણ થાય તેવા પ્રયાસો માટે શીતલબેન માછી સાથે નર્મદા જિલ્લાએ વડાપ્રધાનશ્રી સમક્ષ દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
        જેસલપોર ગામના આશાવર્કર બહેન સુશ્રી મનીષાબેન માછીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ગત ૨૦૧૭ માં વડનગરથી શરૂ કરેલી મોબાઇલ એપ્લીકેશન ખુબ જ સારી હોવાનો પ્રતિભાવ આપતાં ઉમેર્યું હતું કે, આ માત્ર મોબાઇલ જ નહી પરંતુ તેના માધ્યમથી અમોને ઘણું બધુ શીખવાથી તે અંગેનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે કોઇપણ પ્રકારના રજીસ્ટરોની નિભાવણી કે કોઇ બાબત યાદ રાખવાની જરૂરીયાત રહેતી નથી. આ એપ્લીકેશનમાં અમારા ગામના લાભાર્થીઓનું લીસ્ટ-ડેટા, કોનું ચેકઅપ કરવાનું છે કે કોણે રસી મુકવાની છે વગેરે જેવી તમામ બાબતો આ એપ્લીકેશનમાં મળી રહેવાથી હવે કોઇપણ પ્રકારની બાબત અમોને યાદ રાખવાની થતી ન હોવાથી આ કામગીરી સરળ બની છે. કારણ કે આ મોબાઇલ જ અમોને હવે બધુ યાદ દેવડાવે છે અને જે તે દરદીના લક્ષણોને આધારે તેમની સારવાર  કરાવીએ છીએ. લોકોને પણ આ બાબત સમજાવવામાં અમોને ખુબ જ સરળ પડતુ હોવાથી હવે અમારી આ કામગીરી ખૂબ જ સરળ બની છે.
         નર્મદા જિલ્લાની આશાવર્કર બહેન સુશ્રી શીતલબેન માછી અને મનિષાબેન વસાવાના પ્રતિભાવો મેળવ્યા બાદ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નર્મદા જિલ્લાની બહેનોને સંબોધન કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની બહેનોને અને ખાસ કરીને નર્મદા જિલ્લાની બહેનોને તેમના દ્વારા આરોગ્ય પોષણલક્ષી થઇ રહેલી કામગીરી બદલ અભિનંદન આપતા પોતે આગામી તા.૩૧ મી ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લામાં પધારી રહ્યાં હોવાનો કોલ આપતા જણાવ્યું હતું કે, તમારા જિલ્લામાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમા બની રહી છે. ત્યારે તમારા જિલ્લાના પ્રત્યેક દિકરા-દિકરી લોહ શક્તિથી ભરપૂર હોવા જોઇએ તેવો તેનો અર્થ થાય છે અને તમારા વિના આ લોહ શક્તિ આવી શકતી નથી. તમે સૌ આ દિશામાં વ્યવહારૂ પ્રયોગની સાથોસાથ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યાં છો એટલે કે લોખંડની કઢાઇના ફાયદાકારક ઉપયોગ અને મોબાઇલ ડીઝીટલ સાધનના ઉપયોગ સાથે બન્નેનો સમન્વય કરીને તમે પોતે ખૂબ જ મોટું કામ કરી રહ્યાં છો. વડાપ્રધાનશ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે, ટેકનોલોજીએ આજે આપની અનેક મુશ્કેલીઓને હલ કરી છે. દરેકને આધુનિક સોફ્ટવેર સાથે ફોન અને ટેબલેટ અપાઇ રહ્યાં છે, જે સતત ચાલુ રહેશે અને નવી ટેકનોલોજીના આવિષ્કાર સાથે તેમાં આપ સૌ અપડેટ થતા રહેશો. ટેકનોલોજીથી કામ સરળ થવા ઉપરાંત તેનાથી તાલીમી સુવિધા પણ થઇ છે. આશાવર્કરોને ગાંધીનગરથી લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન મળી રહ્યું છે. પહેલા દુર-સુદુર વિસ્તારના આશાવર્કરોને તાલીમબધ્ધ કરવાનું કામ કઠીન હતું, જે ટેકનોલોજીના માધ્યમથી આ સમસ્યાપણ હવે દુર થઇ ગઇ છે. સરકારનો પ્રત્યેક નવો પ્રયાસ અને પ્રત્યેક નવા પગલાંની જાણકારી આપ સૌને તુરંત મળી રહે છે. જેના લીધે તમે તમારા આસપાસના લોકોને ખૂબ જ ત્વરાથી તે અંગે જણાવી શકો છો. આ ટેકનોલોજીની તાકાત છે અને તેનો આપણે વધુ પ્રભાવિત રીતે ઉપયોગ કરવો છે, તેમ પણ વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
livecrimenews@gmail.com
        ઉક્ત વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ સુશ્રી શીતલબેન માછી અને સુશ્રી મનીષાબેન વસાવાએ માધ્યમો સમક્ષ પ્રતિભાવ આપતાં વિડીયો કોન્ફરન્સમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે કરેલા સંવાદને દોહરાવતા વડાપ્રધાનશ્રી સાથે આજના આ કાર્યક્રમના માધ્યમથી સીધા સંવાદના મળેલા લ્હાવા બદલ ખુશી વ્યક્ત કરતા ધન્યતા અનુભી હતી. ઉક્ત કામગીરી કરતી જિલ્લાની સૌ બહેનોની ઉપસ્થિતિમાં ભદામના આંગણવાડી કાર્યકર બહેન સુશ્રી હેતલબેન પટેલે વડાપ્રધાનશ્રીએ ઉક્ત સંવાદમાં આ જિલ્લાના પ્રત્યેક બાળકને લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની જેમ લોહ શક્તિથી ભરપૂર હોવા અંગે વ્યક્ત કરેલી ભાવના-લાગણી પ્રત્યે ઉમળકાભેર પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, આ જિલ્લાના આશાવર્કર બહેનો, ANM-ફિલ્ડ હેલ્થ વર્કર બહેનો અને આંગણવાડીની બહેનોના સહિયારા પ્રયાસોથી વડાપ્રધાનશ્રીના પોષણ અભિયાનને સફળ બનાવવામાં પૂરતા સહયોગની સાથે પ્રત્યેક ગામ અને ઘેર ઘેર સ્વચ્છતા અને પોષણ જાગૃત્તિનો સંદેશો પહોંચાડી વડાપ્રધાનશ્રીના સ્વપ્નને અમો સૌ સાર્થક કરીશું અને “સ્વચ્છ ગામ – સ્વચ્છ ગુજરાત” ના નિર્માણમાં સહાયરૂપ બની રહેવાનો દ્રઢ વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો.
        અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મણીપુર, દાદરા-નગર હવેલી, ઝારખંડ, તેલંગાણા, કર્ણાટક તેમજ જમ્મુ અને કાશ્મીર રાજ્યના સંબંધિત જિલ્લાઓની બહેનો સાથે આરોગ્ય પોષણલક્ષી કામગીરી સંદર્ભે પણ સીધો સંવાદ કરીને જે તે વિસ્તારની બહેનોનાં પ્રતિભાવો મેળવ્યા હતાં.
રિપોર્ટ :
જ્યોતી દીપક જગતાપ , રાજપીપળા
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top