You are here
Home > Breaking News > નર્મદા જિલ્‍લામાં ૩૦ લાખ રોપાનો ઉછેર : ૧૦ લાખ રોપાઓનું વિવિધ યોજના હેઠળ થનારું વાવેતર

નર્મદા જિલ્‍લામાં ૩૦ લાખ રોપાનો ઉછેર : ૧૦ લાખ રોપાઓનું વિવિધ યોજના હેઠળ થનારું વાવેતર

નર્મદા જિલ્‍લામાં ૩૦ લાખ રોપાનો ઉછેર : ૧૦ લાખ રોપાઓનું વિવિધ યોજના હેઠળ થનારું વાવેતર

રાજપીપલામાં જીતનગર નવી જેલના કમ્પાઉન્ડ ખાતે

જિલ્‍લાકક્ષાનો ૬૯ મો વન મહોત્સવ ઉજવાશે

રાજપીપલા

– ચાલુ વર્ષે રાજ્યના વન વિભાગ દ્વારા તા. ૨૭ મી જુલાઇ, ૨૦૧૮ ના રોજ કચ્છ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના વન મહોત્સવ બાદ રાજપીપલાના જીતનગરમાં નવી જેલ કમ્પાઉન્ડ ખાતે જિલ્‍લાકક્ષાના વન મહોત્સવની ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે. નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સહિત જિલ્‍લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં તાજેતરમાં નર્મદા જિલ્‍લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે ૬૯ મા જિલ્‍લા વન મહોત્સવની ઉજવણીના આયોજન અંગે યોજાયેલી બેઠકને સંબોધતાં નાયબ વન સંરક્ષકશ્રી (સામાજિક વનીકરણ) શ્રી પ્રતિક પંડ્યાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્ય સરકારના આયોજન મુજબ જુલાઇ માસમાં કુલ ૧૫ કરોડ વૃક્ષોના વાવેતર કરવાની ઝુંબેશ અન્વયે નર્મદા વન વિભાગ હસ્તક ૩૦ લાખ રોપાઓનો ઉછેર કરાયો છે, જેમાં સરકારી નર્સરીમાં ૧૩ લાખ અને SHG મંડળી તેમજ ખેડૂત લાભાર્થીઓના ૧૭ લાખ રોપા ઉછેરનો સમાવેશ થાય છે.

જિલ્‍લાકક્ષાના વન મહોત્સવની ઉજવણીની સાથોસાથ જિલ્લાના પાંચેય તાલુકાકક્ષાના વન મહોત્સવના કરાયેલા આયોજન મુજબ નાંદોદમાં નવા રાજુવાડીયા, ગરૂડેશ્વરમાં તાલુકા પંચાયત કચેરી, તિલકવાડામાં આઇ.ટી.આઇ., દેડીયાપાડામાં સરકારી વિનયન કોલેજ અને સાગબારામાં સીમઆમલીની પ્રાથમિક શાળા ખાતે જે તે તાલુકાકક્ષાની ઉજવણી કરાશે. તદ્ઉપરાંત ૬૧૨ ગામો પૈકી ૧૩૪ ગામે ગ્રામ વન મહોત્સવ ઉજવાશે. જેમાં ૧.૩૪ લાખ રોપા વિતરણ ઉપરાંત વોટરશેડના ૩૫૦ લાભાર્થીને ૭૦ હજાર રોપા, નર્મદા વન વિભાગ દ્વારા વન અધિકાર હેઠળ અપાયેલી જગ્યામાં એક લાખ રોપાનું વિતરણ / વાવેતર વન વિભાગના આયોજન હેઠળ છે તથા જીઆઇડીસી-નર્મદામાં ૨૦૦૦ રોપા રોપવાનું  પણ આયોજન કરાયું હોવાની વિગતો શ્રી પંડ્યાએ આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ ૫૦૦ હેક્ટરમાં જિલ્‍લાના ૩૮૧ લાભાર્થી ખેડૂતો દ્વારા ૩ લાખ રોપાના વાવેતરનું આયોજન કરાયું છે. તદ્ઉપરાંત વિશ્વ પર્યાવરણ દિન, કિશાન કલ્યાણ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ દરમિયાન તેમજ ૨૫ ગામોમાં ૧૦૦ લાભાર્થીઓને કલમી રોપાના વિતરણની કામગીરી એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત અસ્પિરેશનલ ડિસ્ટ્રીક અન્વયે કરવામાં આવી છે.

રિપોર્ટ :

દીપક જગતાપ ,રાજપીપળા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top