You are here
Home > Breaking News > કેવડીયા કોલોની ખાતે નર્મદા જિલ્લાના મહેસુલી અધિકારીઓ-કર્મચારીઓ માટેની યોજાયેલી ચિંતન શિબિર

કેવડીયા કોલોની ખાતે નર્મદા જિલ્લાના મહેસુલી અધિકારીઓ-કર્મચારીઓ માટેની યોજાયેલી ચિંતન શિબિર

રાજપીપળા :

નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં કેવડીયા કોલોની મુકામે રેવા ભવન ગેસ્ટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાનાં મહેસુલી અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલી ચિંતન શિબિરને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મુકી હતી.
કેવડીયા કોલોની ખાતે જિલ્લાનાં મહેસુલ વિભાગનાં કર્મયોગીઓની ચિંતન શિબિરને સંબોધતાં જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટીતંત્ર એકંદરે લોકોની પ્રજાકીય સુખાકારી માટે કામગીરી કરીને લોકો સુધી યોજનાકીય લાભો પહોંચાડે છે, ત્યારે પ્રજા અને સરકાર વચ્ચેની જિલ્લા વહિવટીતંત્રની સેતુરૂપ ભૂમિકા વધુ અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે માટે જિલ્લામાં સૌ કોઇ કર્મયોગીઓને યોગ્ય ચિંતન અને મનન કરવાનું આહવાન કરી “ટીમ નર્મદા” પાસેથી તેમણે રચનાત્મક સૂચનો આવકાર્યા હતા.
પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા સહિત પ્રાંત અધિકારી ડી.એન. ચૌધરી અને એસ.જી. ગામિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.ડી. મોડીયા, સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર અને ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એન. યુ. પઠાણ સહિત જિલ્લાનાં તમામ મામલતદાર , નાયબ મામલતદાર, જુનીયર કારકુનો અને મહેસુલ વિભાગનાં તલાટીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લાની ઉક્ત ચિંતન શિબિરમાં કલેકટર નિનામાએ મહાત્વાકાંક્ષી જિલ્લાનાં વિકાસ સંદર્ભે નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસની રહેલી ભરપૂર સંભાવનાઓની દિશામાં જરૂરી સર્વેક્ષણ થકી આ જિલ્લામાં રહેલી ક્ષમતાઓને પિછાણીને વિકાસની દિશામાં તેને નવો ઓપ મળે તેવા ઘનિષ્ઠ અને સહિયારા પ્રયાસો માટે “ટીમ નર્મદા” ને ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરઆર.એસ. નિનામાએ વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટે સંદેશાવ્યવહારની સમયસર આપલે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે, ત્યારે આ બાબતે પણ પ્રત્યેક કર્મયોગીઓને પુરતી ચોક્કસાઇ રાખવા અને સવિશેષ પ્રજાકીય કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે તે માટે જિલ્લાનાં વહિવટી વડા તરીકે મારા સંતોષની સાથોસાથ “ટીમ નર્મદા” ની ભાવાત્મકતા અને પ્રજાને જે સેવાઓની જરૂર છે તેની પ્રતિબધ્ધતા સાથે સંકલ્પબધ્ધ થવાની તેમણે હિમાયત કરી હતી.
કેન્દ્રિય કાપડ અને માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિબેન ઇરાનીની તાજેતરની નર્મદા જિલ્લાની વિશેષ મુલાકાત દરમિયાન ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદા સંદર્ભે આપેલી દિશા-નિર્દેશો અને માર્ગદર્શન મુજબ NTC નો વ્યાપ વિસ્તારવા અને જિલ્લા માટે તેયાર કરાયેલા “એક્શન પ્લાન” ના અમલીકરણમાં NTC નાં સભ્યોની ભૂમિકા વધુ સંગીન બનાવવા સંદર્ભે જિલ્લા કલેક્ટરઆર.એસ. નિનામાએ તાજેતરના દિવસોમાં દેડીયાપાડા તાલુકાનાં માલસમોટ ગામની લીધેલી મુલાકાત દરમિયાન અંદાજે ૩૫૦ જેટલા બેરોજગાર યુવાનોમાંથી કૌશલ્ય ધરાવતા યુવાનોને NTC માં સમાવવા તેમજ નહેરૂ યુવા કેન્દ્રનાં માધ્યમથી આવી સેવાઓ બદલ ટોકનરૂપે યોગ્ય પ્રોત્સાહન પુરૂં પાડવા અને તેના થકી જે તે ગામ-વિસ્તારમાં આ પ્રવૃત્તિ ઝુંબેશના રૂપમાં હાથ ધરાય થાય તે જોવા પણ શ્રી નિનામાએ વિશેષ ભાર મુક્યો હતો.

જિલ્લા વહિવટીતંત્ર તરફથી અપનાવાયેલ લોકાભિમૂખ વહિવટી અભિગમનો ઉલ્લેખ કરતાં જિલ્લા કલેક્ટર નિનામાએ જણાવ્યું હતું કે, જિલ્લા પ્રસાશન દ્વારા પ્રો-એક્ટીવ રીતે જિલ્લાભરમાંથી અંદાજે ૧૦,૦૦૦ જેટલા શોધી કઢાયેલા વૃધ્ધો પૈકી અંદાજે ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓને માસિક રૂા.૫૦૦/- લેખે વૃધ્ધાવસ્થા પેન્શન સહાય જિલ્લામાં ચૂકવાઇ રહી છે. જે અંતર્ગત વર્ષે દહાડે અંદાજે રૂા. ૬ કરોડ જેવી આ સહાયની રકમ થવા જાય છે. બાકી રહેલાં લાભાર્થીઓને પણ વૃધ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળની સહાય માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરીને નર્મદા જિલ્લાએ આ દિશામાં સિમા ચિહ્નરૂપ સિધ્ધિ હાંસલ કરીને પ્રેરક રાહ ચિંધ્યો છે.
જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લામાં ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદા અન્વયે ઘડી કઢાયેલા જિલ્લાકક્ષાના “એક્શન પ્લાન” મુજબ હવે તેનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકાકક્ષાએ પણ “એક્શન પ્લાન” ઘડી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં જે તે તાલુકાનાં મામલતદારઓ સહિત તાલકુાકક્ષાએ મહત્વની ભૂમિકા ભજવતાં જે તે વિભાગનાં અધિકારીઓ તરફથી મળનારી રજૂઆતો અને રચનનાત્મક સૂચનોનાં આધારે તમામ તાલુકાઓનો પણ “એક્શન પ્લાન” ઘઢી કઢાશે અને આમ જે તે તાલુકાનાં તંત્રવાહકો અને સ્થાનિક ગામ-વિસ્તારનાં યુવાનોનાં સક્રીય સહયોગ-સમન્વયથી જે તે વિસ્તારની જરૂરિયાત મુજબનાં વિકાસકામો થકી જિલ્લાની વિકાસની ગતિ વધુ વેગીલી બનાવાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પારેયશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદા અંતર્ગત જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ-સિંચાઇ-પશુપાલન, ફાઇનાન્સીયલ ઇન્કલુઝન, સ્કીલ ડેવલપમેન્ટ તેમજ માળખાકીય સુવિધાનાં ઇન્ડીકેટર મુજબ મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે નર્મદા જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટે જરૂરી ચર્ચા-વિચારણાની સાથે આ શિબિરમાં તે અંગેની વિસ્તૃત છણાવટ પણ કરાઇ હતી.
જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ જિલ્લાનાં રેવન્યુ તલાટીઓને NTC માં દાખલ કરવા, કલ્સ્ટર કોઓર્ડીનેટરોને પણ NTC માં સમાવેશ કરવા, તાલુકા લેવલનાં નોડલ અધિકારીઓને તાલુકાકક્ષાએ સમયાંતરે સમીક્ષા કરવા, સર્વાંગીણ કલ્યાણની ભાવનાવાળા વધુને વધુ લોકોને આ ઝુંબેશમાં સામેલ કરવા, મોટીવેશનલ તાલીમ વર્ગોનું આયોજન કરવા, જિલ્લાનાં જે તે ગ્રામ-વિસ્તારનાં બેરોજગાર યુવાનો તંત્ર અને પ્રજા વચ્ચે સેતુરૂપ બની રહે તે રીતે યુવાઓનો “યુથ ઓડીટ” તરીકે ઉપયોગ કરવા વગેરે જેવી બાબતો અંગે પણ આ શિબિરમાં ચર્ચા-વિચારણા કરાઇ હતી.
આ પ્રસંગે પ્રાયોજના વહિવટદારઆર.વી. બારીયા સહિત ડી.એન. ચૌધરી અને એસ.જી. ગામિત, શ્રી ડી.એન. ચૌધરી, એન.યુ. પઠાણ વગેરેએ પણ આ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લઇ તેમના વક્તવ્યમાં રચનાત્મક સૂચનો કર્યાં હતા.

રિપોર્ટ :
જ્યોતિ જગતાપ , રાજપીપળા

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top